ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે પીએમ મોદીને મળ્યા
નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર રચ્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે પીએમ મોદીને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા. ઠાકરે પિતા-પુત્રની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત બતાવાઇ રહી છે.તે ઉપરાંત ઉધ્ધવ ઠાકરેનો ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાતનો પણ કાર્યક્રમ છે. પીએમ મોદી તેમજ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ક્યા મુદ્દે વાતચીત થઇ તે હજુ બહાર નથી આવ્યું. સીએમ પદની શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ તેમના મોટા ભાઇ નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી જશે. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેની ઓફિસે તસવીરો રજૂ કરીને ટ્વીટ કર્યું કે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ દિલ્હીમાં પીએમ સાથે શિષ્ટાચાર મુલાકાત કરી.