જજે કસ્ટડીમાં લેવાનો હુકમ કરતા જ આરોપી ભાગી છુટ્યો
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગત કેટલાક બનાવોમાં પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓ ભાગી જવાની ઘટના બની હતી જાકે ગઈકાલે મેટ્રો કોર્ટમાંથી એક આરોપી નજર ચુકવી ભાગી જતાં ચકચાર ફેલાઈ છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ આરોપીને શોધવા દોડતી થઈ ગઈ છે.
દિવ્યાંગ ઘનશ્યાભાઈ ગજ્જર (રહે. શીવ કેદાર ફલેટ, ચાંદલોડીયા) નામનો શખ્સ વર્ષ ર૦૧૮ના ક્રિમીનલ કેસનો આરોપી હતો જેને વોરંટ બજવણી થતાં ગઈકાલે દિવ્યાંગ પોતાના વકીલ સાથે મેટ્રો કોર્ટ નં.ર૮માં મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ થયો હતો અને વોરંટ કમી કરવા માટે અરજી કરી હતી.
જાકે મેજીસ્ટ્રેટે દિવ્યાંગની અરજી ફગાવીને તેને કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો જેના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને દિવ્યાંગને સાબરમતી જેલમાં લઈ જવા સુચના કરવામાં આવી હતી પરંતુ પોલીસ આવે તે પહેલા જ શાંતિથી બેસી રહેલો દિવ્યાંગ કોર્ટ રૂમનો સ્ટાફ વ્યસ્ત હતો ત્યારે બધાની નજર ચુકવીને રફુચક્કર થઈ ગયો હતો.
દિવ્યાંગ ભાગી ગયો હોવાની જાણ થતાં કોર્ટના પટાવાળા સહીતનો સ્ટાફ તેને શોધવામાં લાગ્યો હતો. જાકે દિવ્યાંગ મળી આવ્યો ન હતો. જેના પગલે કોર્ટના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા બાદમાં કારંજ પોલીસ સ્ટેશનમાં તેની વિરૂધ્ધ વધુ એક ફરીયાદ નોંધવામાં આવી હતી.