Western Times News

Gujarati News

પાકિસ્તાનને એક ટીપુંય પાણી નહીં મળેઃ ભારત

ભારતની ફરીવાર સ્પષ્ટતા

૧૯૬૦ની સિંધુ જળ સંધિ મુજબ પશ્ચિમની ત્રણ નદીઓ — સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનો મુખ્ય જળપ્રવાહ પાકિસ્તાનને મળતો હતો

નવી દિલ્હી,ભારતે ફરી એકવાર સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાનને આકરો મેસેજ આપ્યો છે. ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન સિંધુ જળ સંધિ અંગે ભલે ગમે તેટલી ચિંતા વ્યક્ત કરે, પરંતુ ભારત પોતાના હિતોને પ્રાથમિકતા આપશે. પાકિસ્તાન ગમે તેટલો પ્રયાસ કરી લે તેને પાણીનું એક ટીપુંય નહીં મળે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલએ જણાવ્યું છે કે સિંધુ જળ સંધિ હાલ પણ સ્થગિત સ્થિતિમાં છે અને ભવિષ્યમાં ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે કે સિંધુ નદીનું પાણી દેશના વિકાસ માટે વધુ અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય.

પાકિસ્તાન સુધી પાણીનું એક ટીંપુ ન પહોંચવું જોઇએ તેની ખાતરી કરવામાં આવશે. એક પ્રશ્નના જવાબમાં પાટિલે જણાવ્યું કે પાણીના સંચાલન અને તેના વૈકલ્પિક ઉપયોગ અંગેની યોજનાઓની દેખરેખ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વ્યક્તિગત રીતે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વર્ષ ૧૯૬૦થી અમલમાં રહેલી સિંધુ જળ સંધિ હાલ સ્થગિત છે અને સરકાર આ મુદ્દે જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા નિર્ણય બાદ સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે ભારતના હક્કનું પાણી દેશના વિકાસ અને કૃષિ હિત માટે ઉપયોગમાં લેવાય.

ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આ મુદ્દે પાકિસ્તાને અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર વાંધો ઉઠાવ્યો છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદને પ્રોત્સાહન મળતું રહેશે ત્યાં સુધી સંધિ સ્થગિત જ રહેશે. ૧૯૬૦ની સિંધુ જળ સંધિ મુજબ પશ્ચિમની ત્રણ નદીઓ — સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનો મુખ્ય જળપ્રવાહ પાકિસ્તાનને મળતો હતો. જ્યારે રાવી નદી, બ્યાસ નદી અને સતલુજ નદી ભારતના હિસ્સામાં આવી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.