Western Times News

Gujarati News

બે મહિલા પોલીસકર્મી અને તારાપુરનો એન્જિનીયર લાંચના છટકામાં ફસાયા

આણંદ જિલ્લામાં એસીબીનો સપાટો

તારાપુર નગરપાલિકાનો એન્જિનીયર રૂ. ૮ હજારની રૂશ્વત લેતાં આબાદ પકડાયા, વચેટીયો ફરાર

આણંદ, આણંદ જિલ્લામાં ભ્રષ્ટાચાર આચરતાં ત્રણ સરકારી કર્મચારીઓ જેમાં બે મહિલા પોલીસકર્મી અને તારાપુર ન.પા.નો ફિલ્ડ એન્જિનીયર અનુક્રમે રૂ. ૧.૧૦ લાખ અને ૮ હજારની લાંચ લેતાં અમદાવાદ અને આણંદ એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ જવા પામ્યા છે. આ બંને બનાવોને લઈ ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં ભય અને ફફડાટ સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ બનાવમાં એક ફરીયાદીની પુત્રવધુ દ્વારા આણંદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ત્રાસ આપવા અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભમાં ફરિયાદી તથા તેમના પરિવારજનોને હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા બદલ મહિલા એએસઆઈ ગીતાબેન કમજીભાઈ દોઠા દ્વારા રૂપિયા ૧,૧૦,૦૦૦ લાંચની માંગણી કરવામાં આવી હતી.

આ અરજીની તપાસ મહિલા હેડ કોસ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા દ્વારા કરવામાં આવતી હતી. બંને મહિલા પોલીસ કર્મચારીઓએ ફરિયાદી પાસે રૂપિયા ૧.૧૦ લાખની લાંચ માગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે આ અંગે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યાે હતો. જેથી બધી વાત જાણીને જરૂરી ચકાસણી કર્યા બાદ અમદાવાદ શહેર એસીબીના પીઆઈ એમ.આર.શેઠ અને તેમની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકાની કાર્યવાહી દરમિયાન આણંદ રેલવે ગોદી ગેટની અંદર, જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકીની પાછળ, આણંદ રેલવે સ્ટેશન નજીક જાહેર સ્થળે મહિલા એએસઆઈ ગીતાબેન તથા મહિલા હેડ કોસ્ટેબલ પુષ્પાબેન ગરાસીયાને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી.

ત્યારબાદ મહિલા એએસઆઈ ગીતાબેન દોઠાએ ફરિયાદી પાસેથી રૂપિયા ૧,૧૦,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારી હતી, જ્યારે મહિલા હેડ કોસ્ટેબલ પુષ્પાબેનએ આ કૃત્યમાં મદદગારી કરી હતી. અમદાવાદ એસીબીની ટીમે પૂર્વનિયોજિત સંકેત મળતાં જ લાંચનું છટકું ગોઠવીને ગીતાબેન દોઠા તથા પુષ્પાબેન ગરાસીયાને રૂપિયા ૧,૧૦ લાખ લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યા હતા. બીજા બનાવમાં નવરચિત તારાપુર નગરપાલિકાના એક ફિલ્ડ એન્જીનીયર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક ફરિયાદીના પિતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ હેઠળ રૂ.૪,૦૦,૦૦૦ની સહાય મંજૂર થઈ હતી. આ સહાયના વ્યવહાર માટે આરોપીઓએ કુલ રૂ.૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

જેમાં પ્રથમ હપ્તાની રૂ.૭૦,૦૦૦ની રકમ જમા થાય ત્યારે રૂ.૧૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. જેમાં અગાઉ વચેટીયા નગીનભાઈ રાજુભાઈ તળપદા દ્વારા રૂ.૨,૦૦૦ વસૂલવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂ.૮ હજારની માંગણી ફિલ્ડ એન્જીનીયર જયેશભાઇ ડાહ્યાભાઇ જાદવ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પેટલાદમાં કોલેજ ચોકડી નજીક, રીલાયન્સ સ્માર્ટ બજારના પાર્કીંગ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન ફિલ્ડ એન્જીનીયર જયેશભાઇ ડાહ્યાભાઇ જાદવ ફરિયાદી પાસેથી રૂ.૮ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જોકે, વચેટીયો નગીનભાઇ રાજુભાઇ તળપદા સ્થળ પર હાજર મળ્યો ન હતો. આણંદ એ.સી.બી.એ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.