કુજાડ ગામ ખાતે દસ્ક્રોઈ સીટી અને ગ્રામ્ય ઘટકના બાલિકા પંચાયતના હોદ્દેદારોને અપાયું નેતૃત્વનું માર્ગદર્શન
અમદાવાદ જિલ્લામાં ‘સંકલ્પ’ હબ દ્વારા બાલિકા પંચાયતની દીકરીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો*
દીકરીઓમાં લોકશાહીની પ્રક્રિયા, હક્કો અને નિર્ણયક્ષમતા વિકસે તેવા ઉદ્દેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરાવાઈ
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન યોજનાની ટીમ દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત દસ્ક્રોઈ તાલુકાના કુજાડ ગામ ખાતે દસ્ક્રોઈ સીટી અને ગ્રામ્ય ઘટકમાં આવતા ગામોની બાલિકા પંચાયતની સરપંચ તથા ઉપસરપંચ દીકરીઓ માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ દરમિયાન બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓને લોકશાહીની મૂળભૂત પ્રક્રિયા, નેતૃત્વ કૌશલ્ય, તેમના હક્કો અને જવાબદારીઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાથે જ ગામના સર્વાંગી વિકાસમાં દીકરીઓ પોતાની શું ભૂમિકા ભજવી શકે તે અંગે તેમને માહિતગાર કરાયા હતા. તાલીમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી, જેથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેમની નિર્ણયક્ષમતા મજબૂત બને.
આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાલિકાઓમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબન અંગે જાગૃતિ વધારવાનો છે. આ તાલીમ મેળવ્યા બાદ દીકરીઓ પોતાના ગામના વિકાસ કાર્યોમાં વધુ સક્રિય અને સક્ષમ ભૂમિકા ભજવી શકશે તેવો દ્રઢ વિશ્વાસ ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. દીકરીઓ નાની ઉંમરથી જ ગામના પ્રશ્નો સમજે અને તેના ઉકેલ માટે આગળ આવે તે માટે આ પ્લેટફોર્મ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેજાની મુખ્ય સેવિકા બહેનો, પૂર્ણા કન્સલ્ટન્ટ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી.
……..
