કોલકાતામાં આગ લાગતાં 4000 EVM બળી ગયા તે કઈ વિધાનસભા બેઠકોના હતા?
કોલકાતામાં સરકારી મકાનમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ-કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આમાં કોઈ મોટા કાવતરાની શક્યતાને નકારી શકાય નહીં.
બળી ગયેલા EVM પશ્ચિમ બંગાળના કસબા, જાદવપુર, બેહાલા ઈસ્ટ, બેહાલા વેસ્ટ, મેટિયાબુરુજ, સતગછિયા અને ડાયમંડ હાર્બર સબ-ડિવિઝન હેઠળની ૧૦ વિધાનસભા બેઠકોના હતા.
કોલકાતા, પશ્ચિમ બંગાળના કોલકાતાના અલીપુર વિસ્તારમાં એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં ૪ હજાર ઈવીએમ બળીને ખાક થઈ ગયા છે. આ અંગે વિપક્ષ દ્વારા આ ઘટનામાં મોટા કાવતરાની આશંકાઓ વ્યક્ત કરાતા હોબાળો મચી ગયો છે.
આગ બુધવારે દક્ષિણ કોલકાતાના અલીપુર સરકારી ઇમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં અન્ય મહત્ત્વના સરકારી વિભાગો ઉપરાંત દક્ષિણ ૨૪ પરગના જિલ્લા પરિષદની ઓફિસ પણ આવેલી છે.
બંગાળના મંત્રી કૌશિક ચૌધરીએ ગુરુવારે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, આગ સૌથી પહેલા ઇમારતના બીજા અને ત્રીજા માળે જોવા મળી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ પ્રભાવિત થયા વિના જ આગ સીધી સાતમા, આઠમા, નવમા અને દસમા માળ સુધી પહોંચી ગઈ!
મંત્રી કૌશિક ચૌધરીએ આ અંગે ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, આ આગ સામાન્ય લાગતી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં કોઈ કાવતરું સામેલ છે કે નહીં. આગ ચોથા, પાંચમા અને છઠ્ઠા માળને નુકસાન પહોંચાડ્યા વિના સીધી સાતમા અને આઠમા માળ સુધી કેવી રીતે પહોંચી? આ સમગ્ર બાબત અત્યારે તપાસ હેઠળ છે.
આ આગમાં સૌથી મોટું નુકસાન લોકશાહીના કિંમતી દસ્તાવેજો સમાન મશીનોને થયું છે. મંત્રીના જણાવ્યા અનુસાર, આ ઇમારતમાં રાખવામાં આવેલા આશરે ૪,૦૦૦ ઈવીએમ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ એ જ વોટિંગ મશીનો હતા જેનો ઉપયોગ આ વર્ષે જ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૦ વિવિધ મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ પૂરતી આખી બિલ્ડિંગને સુરક્ષિત કરીને ત્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અધિકારીઓનું કહેવું છે કે ફોરેન્સિક લેબના રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આમાં કોઈ મોટા કાવતરાની શક્યતાને નકારી શકાય નહીં.
