Western Times News

Gujarati News

2026ના પ્રથમ છ મહિનામાં ભારતના 8 મુખ્ય શહેરોમાં રહેણાંક મકાનોનું વેચાણ 1.71 લાખ યુનિટને પાર

પ્રતિકાત્મક

  • આઠ મુખ્ય શહેરોના રહેણાંક વેચાણમાં 1% નો નજીવો વધારો.-ડેવલપર્સે 1.87 લાખથી વધુ નવા મકાનો માર્કેટમાં લોન્ચ કર્યા.
  • મોંઘા અને પ્રીમિયમ ઘરોની માંગમાં મોટો ઉછાળો આવ્યો. -સતત કિંમતો વધવાથી સસ્તા ઘરોની ઉપલબ્ધતામાં ઘટાડો થયો.

નવી દિલ્હી, : ભારતના રહેણાંક રિયલ એસ્ટેટ માર્કેટે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં (H1 2026) અત્યાર સુધીનું સૌથી મજબૂત વેચાણ પ્રદર્શન જોયું છે. ગુરુવારે જાહેર થયેલા એક અહેવાલ મુજબ, દેશના આઠ મોટા શહેરોમાં કુલ 1,71,471 રહેણાંક મકાનોનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 1 ટકાનો નજીવો વધારો દર્શાવે છે.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, બજાર હવે સ્થિરતાના તબક્કામાં પ્રવેશ્યું છે, જ્યારે બિલ્ડરોએ આ ગાળામાં વાર્ષિક ધોરણે 4 ટકાના વધારા સાથે 1,87,350 નવા મકાનો લોન્ચ કર્યા છે. અહેવાલમાં ઉમેરાયું છે કે, સતત ચાર વર્ષના સુધારા પછી વેચાણમાં જોવા મળેલી આ સ્થિરતા બજારના આર્થિક વિકાસને બદલે તેના સ્થિરીકરણ તરફ ઈશારો કરે છે.

મજબૂત આર્થિક પાયા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત શહેરી વિકાસ અને રોજગારીની સ્થિર સ્થિતિને કારણે ખરીદદારો તરફથી માંગ જળવાઈ રહી છે, જેનાથી ભારતના અગ્રણી બજારોમાં રહેણાંક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. બીજી તરફ, બિલ્ડરોએ પણ નવા સપ્લાય બાબતે શિસ્તબદ્ધ અભિગમ અપનાવ્યો છે, જેના કારણે ખરીદદારોની બદલાતી પસંદગીઓ અને વધતી કિંમતો છતાં બજારમાં સંતુલન જળવાઈ રહ્યું છે.

આ પ્રવાહ ઉચ્ચ આવક ધરાવતા પરિવારો તરફથી પ્રીમિયમ (મોંઘા) ઘરોની વાસ્તવિક માંગ દર્શાવે છે. તેની સાથે જ તે એફોર્ડેબલ (સસ્તા) ઘરોના ક્ષેત્રમાં થઈ રહેલા ઘટાડાને પણ રેખાંકિત કરે છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કિંમતોમાં સતત થયેલા વધારાને કારણે મધ્યમ વર્ગના ઘરો હવે ઉચ્ચ કિંમતની શ્રેણીમાં આવી ગયા છે. અહેવાલમાં જણાવાયું છે કે, ઓછી કિંમતના નવા મકાનોનો સપ્લાય મર્યાદિત રહ્યો છે, તેથી ખરીદદારોનો વ્યાપ ભલે નાનો થયો હોય, પણ એકંદરે બજાર ઐતિહાસિક રીતે સક્રિય રહ્યું છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ઈન્ટરનેશનલ પાર્ટનર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે, “મહામારીના કપરા સમયમાંથી બહાર આવ્યા બાદ રિયલ એસ્ટેટ માર્કેટના વિકાસની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ બજારના પાયાના મજબૂત પરિબળો હજુ પણ અકબંધ છે. હવે કુલ રહેણાંક વેચાણમાં પ્રીમિયમ ઘરોનો હિસ્સો અડધાથી વધુ છે, જે પરિવારોની વધતી આવક, ખરીદદારોની બદલાતી આકાંક્ષાઓ અને લાંબા ગાળાના ઘરની માલિકીમાં વધતા વિશ્વાસને દર્શાવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.