હાઉસફુલ સ્ટેડિયમ જોઇ ઇવાન્કાએ સેલ્ફી લીધી
અમદાવાદ: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલેનિયા, દિકરી ઇવાન્કા અને જમાઇ જેરેડ કુશ્નર સાથે મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા ત્યારે દિકરી ઇવાન્કાની હાજરી અને તેની સેલ્ફીનો ક્રેઝ નોંધનીય બની રહ્યો હતો. ખાસ કરીને મોટેરા સ્ટેડિયમમાં ઉમટેલા સવા લાખથી વધુ માનવમહેરામણ અને અમદાવાદીઓનું ભવ્ય સ્વાગત જાઇને ઇવાન્કા પોતાની જાતને સ્ટેડિયમ અને માનવ મહેરામણની સેલ્ફી લેવાથી રોકી શકી ન હતી.
તો, ઇવાન્કા સ્ટેડિયમ પહોંચી ત્યારે પણ ઉમટેલા દર્શકો અને મહાનુભાવોએ પણ તેની સાથે એક સેલ્ફી લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રમ્પ પરિવાર પહોંચ્યો હતો. માનવ મહેરામણથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમને જોઇને ટ્રમ્પ પરિવાર પ્રભાવિત થયું હતું. યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં ઉપસ્થિત જનમેદનીનો આભાર માન્યો હતો.
તો ઇવાન્કા ટ્રમ્પે પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અદ્ભુત કાર્યક્રમ જણાવી પોતાની ખુશીની લાગણી વ્યકત કરી હતી. ઇવાન્કા જ્યારે સ્ટેડિયમ પહોંચી ત્યારે દર્શકો અને મહાનુભાવો તેની સાથે એક તસવીર ખેંચાવા માટે રીતસરની પડાપડી કરતા જોવા મળ્યા હતા. ઇવાન્કાએ પણ બધા સાથે તસવીર ખેંચાવી હતી અને ખીચોખીચ ભરેલા સ્ટેડિયમને સેલ્ફીમાં કેદ પણ કર્યું હતું. જા કે, ઇવાન્કાની આસપાસ ટોળે વળેલા દર્શકો અને મહાનુભાવોની ભીડને લઇ અમેરિકી સિક્રેટ સર્વિસના સુરક્ષા જવાનો તેમ જ સ્થાનિક પોલીસના સુરક્ષા જવાનોને તેમને ભીડથી બચાવવામાં ભારે જહેમત ઉઠાવવી હતી.