Western Times News

Gujarati News

વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની થયાની આશંકા

૧૭૦૦ કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

આંખના પલકારામાં બહુમાળી ઇમારતોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘરો અને દુકાનોમાં રાખેલો સામાન રસ્તાઓ પર વિખરાઈ ગયો હતો

વેનેઝુએલા, દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલો વિનાશક ભૂકંપ અત્યાર સુધીની સૌથી મોટી માનવ સર્જિત અને કુદરતી આફતોમાં ફેરવાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અગાઉના અહેવાલો બાદ હવે યુનાઈટેડ સ્ટેટ્‌સ જીઓલોજિકલ સર્વે ારા એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ચેતવણી જારી કરવામાં આવી છે, જે મુજબ આ ભયાનક આપત્તિમાં મરણ જનારાઓનો આંકડો ૧૦,૦૦૦ (દસ હજાર) ને પાર થઈ શકે છે.

રાજધાની કરાકસ સહિત દેશના અનેક ભાગોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે અને હજારો લોકો પોતાના આવાસ તેમજ દફતરો છોડીને જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે.અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ ના જણાવ્યા અનુસાર, વેનેઝુએલાના ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તારમાં માત્ર ૪૦ સેકન્ડના અંતરાલમાં બે પ્રચંડ આંચકા અનુભવાયા હતા. પ્રથમ ૭.૧ ની તીવ્રતાનો આંચકો એક ‘ફોરશાક’ (મુખ્ય ભૂકંપ પહેલાનો ઝટકો) હતો, જેના બરાબર ૪૦ સેકન્ડ બાદ ૭.૫ ની તીવ્રતાનો મુખ્ય પ્રચંડ ભૂકંપ ત્રાટક્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ મૌન્ટાલ્બાનથી ઉત્તર-પશ્ચિમમાં ૨૮ કિલોમીટર દૂર નોંધાયું છે, જે વિસ્તાર દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીઓ માટે જાણીતો છે.

આ ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ઘટનાસ્થળથી આશરે ૧,૭૦૦ કિલોમીટર દૂર આવેલા બ્રાઝિલના એમેઝોન સુધી અનુભવાયા હતા, જ્યાં પણ સુરક્ષાના ભાગરૂપે અનેક ઇમારતો ખાલી કરાવવી પડી હતી.ભૂકંપ બાદના દ્રશ્યો હૃદયકંપાવી દે તેવા છે. ચશ્મદીદોના જણાવ્યા અનુસાર, આંખના પલકારામાં બહુમાળી ઇમારતોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘરો અને દુકાનોમાં રાખેલો સામાન રસ્તાઓ પર વિખરાઈ ગયો હતો.

ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં ધૂળના કાળાડિબાંગ ગુબાર હવામાં ઉડતા જોવા મળ્યા હતા. આ આપત્તિ વચ્ચે વેનેઝુએલાના કેટલાક ભાગોમાં સેલફોન નેટવર્ક અને સિગ્નલ સંપૂર્ણપણે ગાયબ થઈ જતાં પરિસ્થિતિ વધુ વણસી છે, જેના કારણે લોકો પોતાના પરિવારજનોનો સંપર્ક કરી શકતા નથી. વિદેશમાં રહેતા વિરોધ પક્ષના નેતા મારિયા કોરિના મચાદોએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ કપરા સમયમાં દેશવાસીઓને હિંમત, શાંતિ અને એકતા જાળવી રાખવા માટે અપીલ કરી છે.આ દરમિયાન, અમેરિકાના પેસિફિક સુનામી વો‹નગ સેન્ટર દ્વારા શરૂઆતમાં પ્યુર્તાે રિકો અને વર્જિન આઇલેન્ડ્‌સ માટે જારી કરવામાં આવેલું સુનામીનું એલર્ટ બાદમાં વૈજ્ઞાનિક વિશ્લેષણ પછી સત્તાવાર રીતે પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી તેમ જણાવાયું છે.

બીજી તરફ, વેનેઝુએલાના પાડોશી દેશ મેક્સિકોના વિદેશ મંત્રાલયે આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરીને એકજૂથતા દર્શાવી છે. જોકે, આપત્તિના કલાકો વીતી ગયા હોવા છતાં ઘાયલો કે મૃતકોના ચોક્કસ આંકડા જાહેર ન કરવા બદલ અને દેશને તાત્કાલિક સંબોધન ન કરવા બદલ ત્યાંના સ્થાનિક રાજકારણીઓ અને જનતા દ્વારા કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝની આકરી ટીકા પણ કરવામાં આવી રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.