Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત, ખેતરો બેટમાં ફેરવાયાં

સૂત્રાપાડા, વેરાવળમાં જનજીવન ખોરવાયું

જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં તોફાની વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ

રાજકોટ,ગુજરાતમાં જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. 

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં તોફાની વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૫ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પવનની ગતિ ૪૦થી ૫૦ કિલોમીટર રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્રને પણ સજ્જ રહેવા આદેશ અપાયા છે.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ- પ્રભાસપાટણ જોડિયા શહેરમાં મોસમના પ્રથમ વરસાદે જ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. શહેરના સટાબજાર, સુભાષ રોડ, ગાંધી રોડ, અમરદીપ હોસ્પિટલ રોડ, એસ.ટી. રોડ, જૈન હોસ્પિટલ રોડ અને હાઉસિંગ સોસાયટી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે પ્રભાસપાટણને જોડતા માર્ગ પર પણ પાણી ભરાતા યાત્રિકો અને સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

વેરાવળના પ્રખ્યાત દુઃખ-દરિદ્ર ભંજન શિવ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે.તપેશ્વર મંદિર પાસે આવેલી જયહિંદ શેરીમાં ગટરોની સફાઈ ન થતાં વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. વેરાવળના રેમ્બો સ્કૂલ નજીક માર્ગ પર ભરાયેલા પાણીના કારણે ખુલ્લી ગટર ન દેખાતા બે નાના બાળકોને સાયકલ પર લઈ પસાર થઈ રહેલા એક પિતા અચાનક ગટરમાં ખાબક્યા હતા. સુત્રાપાડાના કનેહર વિસ્તારમાં ખેતરો ચારે તરફ વરસાદી પાણીથી તરબોળ થઈને બેટમાં ફેરવાઈ ગયા છે.

તાલાલામાં ગાળિયાવડ રોડ ઉપર વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષની તોતિંગ ડાળ તૂટી પડી હતી, જેના કારણે વીજ પ્રવાહ બંધ કરવો પડ્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કેશોદની જાણીતી નોળી નદી ભારે પાણીના પ્રવાહને કારણે બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે સોંદરડા ગામ ખાતે આવેલો ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ઓવરફ્લો થયો છે.રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બપોરના ૧૨ વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.

વરસાદ એટલો ધોધમાર હતો કે પ૫૦૦ મીટર પછીની વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ગોંડલ શહેરમાં વરસાદથી ગુંદાળા શેરીમાં પાણી વહેતા થયા હતા, જ્યારે ખોડિયાર નગરના રેલ્વે અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અટવાયો હતો. રાજકોટ-જેતપુર સિક્સ લેનની કામગીરી ચાલુ હોવાથી અને ગોંડલના જામવાડી નજીક હાઇવે પર સિંગલ પટ્ટી રોડ પર ડાયવર્ઝનના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેથી વાહનચાલકો પરેશાન થયા હતા.જામનગરના જામજોધપુરના સમાણા, દલ દેવડીયા અને સડોદર સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.