Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટયા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું નહીં થવાના સંકેત

હોર્મુઝ સંકટ વચ્ચે પેટ્રોલના ભાવ દુનિયામાં ૩૫ ટકા, ભારતમાં પાંચ ટકા વધ્યા : કેન્દ્ર

પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના રિટેલ વેચાણમાં સરકારી ઓઈલ કંપનીઓને હજુ પણ રૂ. ૭૪,૭૮૧ કરોડનું નુકસાન

નવી દિલ્હી,અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થતાં હોર્મુઝ સંકટ ટળી ગયા પછી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે, જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની જનતાની આશા પર કેન્દ્ર સરકારે ગુરુવારે પાણી ફેરવી દીધું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે-ત્રણ મહિના સુધી કોઈ ઘટાડો નહીં થાય તેવા સંકેત આપ્યા છે.

તેમણે દાવો કર્યાે કે હોર્મુઝ સંકટ વચ્ચે દુનિયાભરમાં પેટ્રોલના ભાવમાં ૩૫ ટકાનો વધારો થયો હતો જ્યારે ભારતમાં ભાવ માત્ર પાંચ ટકા વધ્યા હતા. સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વેચાણમાં હજુ પણ રૂ. ૭૪,૭૮૧ કરોડનું નુકસાન થઈ રહ્યું છે.પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ એક સમયે પ્રતિ બેરલ ૧૧૯ ડોલરના સ્તરે પહોંચી ગયા હતા, જે હવે હોર્મુઝ સંકટ દૂર થતા પ્રતિ બેરલ ૭૦ ડોલરના યુદ્ધ પહેલાંના સ્તરે આવી ગયા છે.

આ ઘટાડાના પગલે ખાનગી પેટ્રોલિયમ કંપની નાયર એનર્જીએ પેટ્રોલના ભાવમાં રૂ. ૫ અને ડીઝલના ભાવમાં રૂ. ૩નો ઘટાડો કર્યાે છે. આથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની માગણી થવા લાગી છે. જોકે, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ત્રણથી ચાર મહિના સુધી નીચા સ્તરે રહે તો પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવમાં ઘટાડો આવી શકે છે. પશ્ચિમ એશિયાના સંકટના કારણે દુનિયાભરમાં પેટ્રોલના ભાવમાં ૩૫ ટકા સુધીનો વધારો થયો હતો જ્યારે ભારતમાં માત્ર ૫.૫૮ ટકાનો વધારો થયો છે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મે મહિનાના બીજા પખવાડિયામાં પ્રતિ લીટર કુલ રૂ. ૭.૫૦નો વધારો કરાયો હતો.તેમણે ઉમેર્યું કે,પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ખર્ચ કરતાં નીચી કિંમેતે રીટેલ વેચાણ કરવાના કારણે સરકારી ઓઈલ કંપનીઓને રૂ. ૭૪,૭૮૧ કરોડનું નુકસાન થયું છે.વૈશ્વિક સ્તરે ભલે ક્રૂડ ઓઈલના ભાવ ઘટયા હોય, પરંતુ કંપનીઓ હજુ પણ એવા ક્રૂડ ઓઈલની પ્રોસેસ કરી રહી છે, જે હોર્મુઝ સંકટ સમયે ખરીદવામાં આવ્યું હતું.

પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, માર્ચ ૨૦૨૬થી જ ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળો શરૂ થઈ ગયો હતો, જેને પગલે દુનિયાના અનેક દેશોએ પેટ્રોલ-ડીઝલના રીટેલ ભાવ વધાર્યા હતા. છેલ્લા ચાર મહનામાં પેટ્રોલના ભાવ ળાન્સમાં ૧૭.૭૪ ટકા, જર્મનીમાં ૧૯.૦૫ ટકા અને ઈટાલીમાં ૧૮.૩૯ ટકા, પાકિસ્તાનમાં ૩૯.૭૭ ટકા, શ્રીલંકામાં ૩૬.૬૬ ટકા, નેપાળમાં ૨૦.૩ ટકા અને બાંગ્લાદેશમાં ૪૨.૬૯ ટકા વધ્યા હતા. વિકસિત દેશોમાં પેટ્રોલના ભાવ સરેરાશ ૨૦ ટકા વધ્યા હતા.

પરંતુ ભારતમાં પેટ્રોલના ભાવ માત્ર ૫.૫૮ ટકા વધારાયા હતા.તેમણે ઉમેર્યું કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવમાં વધારો કરતા પહેલાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૧૦ એક્સાઈઝ ડયુટી ઘટાડી હતી, જેનાથી સરકારને આવકમાં અંદાજે રૂ. ૧ લાખ કરોડનું નુકસાન થયું હતું. આમ, હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની કોઈ સંભાવના નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.