સેલિબ્રિટીઓના ‘યુઝરનેમ‘ અન્ય કોઈએ લઈ લીધાના દાવા ખોટા : વોટ્સએપ
વોટ્સએપમાં ‘યુઝરનેમ‘ ફીચર મુદ્દે મેટાની કેન્દ્રને હૈયાધારણ
સેલિબ્રિટીના યુઝરનેમ કાયદેસરના એકાઉન્ટ માલિકો સુધી મર્યાદિત ઃ ફીચરમાં અનેક સ્તરની સુરક્ષા રખા
નવી દિલ્હી,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપના ‘યુઝરનેમ‘ ફીચર મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે. અનેક જાણિતી હસ્તીઓ, સંસ્થાઓના યુઝરનેમ તેમની જાણ બહાર રિઝર્વ થઈ ગયા હોવાના અહેવાલોને પેરેન્ટ કંપની મેટાએ ખોટા ગણાવ્યા છે અને દાવો કર્યાે છે કે જાણિતી હસ્તીઓ અને સંસ્થાઓના યુઝરનેમ તેમના કાયદેસરના એકાઉન્ટ માલિકો સુધી મર્યાદિત છે. વધુમાં કેન્દ્ર સરકારની નોટિસનો જવાબમાં વોટ્સએપે ‘યુઝરનેમ‘ ફિચરથી ઓનલાઈન છેતરપિંડી અને નકલી એકાઉન્ટ વધવાનું જોખમ હોવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા છે.
વોટ્સએપના ‘યુઝરનેમ‘ ફીચર અંગે કેન્દ્ર સરકારની નોટિસના સંદર્ભમાં પેરેન્ટ કંપની મેટાએ જણાવ્યું કે, ઓળખની ચોરીથી બચવા માટે તેણે સૌથી વધુ પ્રખ્યાત લોકોના નામ જેવા કે સેલિબ્રિટીના, સરકારી સંસ્થાઓ, વેરિફાઈડ મેટા એકાઉન્ટને જ રિઝર્વ કરી રાખ્યા છે. એટલે કે કોઈ ઈચ્છે તો પણ તેને પોતાનું યુઝરનેમ બનાવી શકે નહીં. મેટાએ કહ્યું કે, સેલિબ્રિટી નામોને તેમના અસલી માલિક જ ક્લેમ કરી શકશે. પ્રખ્યાત નામો સાથે ભળતા નામોને પણ રિઝર્વ કરાયા છે. સાથે આ ફીચરમાં તેણે અનેક સુરક્ષા સ્તર બનાવ્યા છે.
યુઝરનેમનો અંદાજ લગાવવા વારંવારના પ્રયત્નોને બ્લોક કરી દેવાશે.વોટ્સએપ માટે ભારત મહત્વનું બજાર છે, જ્યાં તેને ૫૦ કરોડથી વધુ યુઝર છે. યુઝરની પ્રાઈવસી જાળવવા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપે ‘યુઝરનેમ‘ ફિચર લોન્ચ કરવાની જાહેરાત કર્યા પછી ભારે હોબાળો મચી ગયો છે. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનિષ સિસોદિયાએ લખ્યું, તેમના પોતાના નામ, તેમના પક્ષ આપ સાથેના મોટાભાગના વેરિએશન્સના યુઝરનેમ રિઝર્વ થઈ ગયા છે. મોબીક્વિકના સીઈઓ બિપિન પ્રીત સિંહે પણ દાવો કર્યાે કે તેમના નામને મળતા આવતા વેરિએશન્સ અગાઉથી જ રિઝર્વ થઈ ગયા છે.
વોટ્સએપના આ ફીચર મુદ્દે અનેક સેલિબ્રિટીઓ અને નિષ્ણાતોએ નકલી એકાઉન્ટ્સ અને ઓનલાઈન ફ્રોડ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.સેલિબ્રિટીઓની ચિંતાના પગલે કેન્દ્ર સરકારે બુધવારે મેટાને આ ફીચરનો અમલ હાલ નહીં કરવા નોટિસ ફટકારી હતી. કેન્દ્રે વોટ્સએપને આઈટી એક્ટ અને નિયમો હેઠળ બંધાયેલું હોવાનું પણ જણાવ્યું હતું. કેન્દ્રની નોટિસ મળતા વોટ્સેપે સોશિયલ મીડિયા પર એક એફએક્યુ જાહેર કરીને લોકોને સતાવતા વિવિધ સવાલોના જવાબ આપ્યા છે. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે, યુઝરનેમ ફીચર હજુ લાઈવ થયું નથી. તે આ વર્ષના અંત સુધીમાં ક્રમશઃ લોન્ચ થશે.
વોટ્સએપ યુઝરનેમ રાખવું જરૂરી નથી. તે વૈકલ્પિક સેવા છે.વધુમાં મેટાએ કહ્યું કે, વોટ્સએપ યુઝર્સે એપનો ઉપયોગ કરવા માટે ફોન નંબરની જરૂર રહેશે. યુઝરનેમ ફીચરનો દુરુપયોગ રોકવા માટે અનેક સ્તરની સુરક્ષા ઊભી કરાઈ છે. અન્ય યુઝરે તમારું ચોક્કસ યુઝરનેમ જાણવા માટે તમને મેસેજ કરવો પડશે. કોઈ નવી વ્યક્તિ મેસેજ કરશે તો પહેલી વખત સંપર્ક કરવા પર ચેતવણી પણ અપાશે. મેટાએ દાવો કર્યાે કે એવી સિસ્ટમ બનાવાશે જે ઓળખની ચોરી અને ફીચરનો દુરુપયોગ કરનારની ઓળખ કરીને તેને રોકી શકે. યુઝરનેમનો અંદાજ લગાવવાના વારંવારના પ્રયત્નોને બ્લોક કરી દેવાશે.SS1
