Western Times News

Gujarati News

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે અઢી વર્ષથી ચાલતા યુદ્ધનો અંત આવશે?

પેલેસ્ટાઈનના રોજિંદા કામકાજને કરવા માટે માત્ર ટેકનિકલ અને પ્રોફેશ્નલ કર્મચારીઓ જ તેમના પદ પર રહેશે

હમાસે ગાઝામાં પોતાની સરકાર વિખેરી UNની સમિતિને સત્તા સોંપવા તૈયારી

ડેર-અલ-બલાહ, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લાં આશરે અઢી વર્ષથી ચાલતા યુદ્ધનો ટૂંક સમયમાં અંત આવે તેવી સંકેતો પ્રબળ બન્યાં છે. પેલેસ્ટિનિયન આતંકી જૂથ હમાસે અમેરિકાની મધ્યસ્થી હેઠળના યુદ્ધવિરામની યોજના હેઠળ ગાઝામાં તેની સરકાર વિખેરી નાખવાની જાહેરાત કરી છે. આ સાથે જ હમાસે સંયુક્ત રાષ્ટ્રનું પીઠબળ ધરાવતી ટેકનિકલ સમિતિને સત્તા સોંપવાની તૈયારી શરૂ કરી છે. જોકે હમાસે નિઃશસ્ત્રીકરણ કરવાના અને આંતરરાષ્ટ્રીય દળોને સુરક્ષા વ્યવસ્થા સોંપવા જેવા મહત્વના નિર્ણયો અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

હમાસના નીચલી પાયરીના અધિકારી દ્વારા કરાયેલી આ જાહેરાતથી ખરેખર પરિસ્થિતિ બદલાશે કે કેમ તે અંગે નિષ્ણાતો શંકા સેવી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતાવાળા બોર્ડ ઓફ પીસે આ મામલે જણાવ્યું હતું કે, હમાસે કરેલી જાહેરાતથી તેઓ વાકેફ છે, પરંતુ તેઓ વાસ્તવિક સ્થિતિ જોયાં પછી જ કોઈ નિર્ણય લેશે. બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે, યુદ્ધવિરામની શરતો અનુસાર, ટેન્કોક્રેટિક કમિટીએ ગાઝાના તમામ હથિયારોનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લેવું જોઈએ.

હમાસ સંચાલિત સરકારી મીડિયા ઓફિસના જનરલ ડિરેક્ટર ઈસ્માઈલ-અલ-થવાબ્તાએ સોમવારે જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનના રોજિંદા કામકાજને કરવા માટે માત્ર ટેકનિકલ અને પ્રોફેશ્નલ કર્મચારીઓ જ તેમના પદ પર રહેશે. હાલમાં કામ કરતાં સરકારના તમામ કર્મચારીઓ નેશનલ કમિટી ફોર એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝાના તાબામાં કામ કરવા માટે સંપૂર્ણ સજ્જ છએ. હમાસના પ્રવક્તા હાઝેમ કાસીમે આ જાહેરાતને યુદ્ધવિરામની સમજૂતીને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. ઈજિપ્તના કૈરો સ્થિત ટેન્કોક્રેટની કમિટીના ચેરમેન અલિ શાથે હમાસે કરેલી જાહેરાતની પુષ્ટી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના હસ્તાક્ષર બાદ હમાસના નિઃશસ્ત્રીકરણ તથા ગાઝાના પુનઃનિર્માણ સહિતની શરતો ધરાવતાં યુદ્ધવિરામના બીજા તબક્કાના અમલ મુદ્દે આશરે નવ મહિના સુધી અવરોધ સર્જાયો હતો.હમાસે ગાઝામાં પોતાની સરકાર વિખેરી નાખવા કરેલી જાહેરાત આંખમાં ધૂળ નાંખવા સમાન હોવાનું જણાવતાં ઈઝરાયેલે તેને નિરર્થક ગણાવી છે. ઈઝરાયેલના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, હમાસના તમામ સભ્યો તેમના પદ પર કાર્યરત છે ત્યારે સરકારના કથિત રાજીનામાનો કોઈ મતલબ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.