પેરિસ ફેશનવીકના રૅમ્પ પર જીવંત થઈ ભારતની સમૃદ્ધ શિલ્પ કળા
પેરિસ હોટે કુટ્યોર વીકમાં રાહુલ મિશ્રાનાં ‘દેવી’ કલેકશને દુનિયાને અભિભુત કરી
રાહુલ મિશ્રાના શોમાં હાજરી આપવા પહોંચેલી ઈશા અંબાણી પણ પોતાનાં ભવ્ય લુકને કારણે ચર્ચામાં રહી
મુંબઈ,ઇન્ડિયન ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રાની દુનિયાભરના ફેશન વીકમાં ખાસ રાહ જોવાતી હોય છે, તેઓ ભારતીય કળા અને વારસાને પોતાની ફેશન ડિઝાઇનમાં એવી રીતે રજુ કરે છે, જાણે કે દુનિયા એ જોઈને અભિભુત રહી જાય છે. આ વખતે પણ પેરિસ હોટે કુટ્યોર વીકમાં પોતાનું સ્પ્રિંગ/સમર ૨૦૨૬ કલેકશન ‘દેવી’ રજૂ કરીને આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં ફરી એકવાર ભારતની કલા અને સંસ્કૃતિનો ડંકો વગાડ્યો છે.
આ કલેકશન ભારતીય દેવી-દેવતાઓની શિલ્પકલા, મંદિર સ્થાપત્ય અને દિવ્ય નારીશક્તિથી પ્રેરિત છે.શોની શરૂઆત પ્રાચીન હિંદુ દેવી-દેવતાઓના શિલ્પોથી પ્રેરિત વિશાળ શિલ્પાકૃતિ જેવા હેડપીસથી થઈ હતી. રનવેને મંદિર જેવા શિલ્પાત્મક ઇન્સ્ટોલેશનથી સજાવવામાં આવ્યો હતો, જે દિવ્ય નારીશક્તિને સમર્પિત હતો. કલેકશનમાં સુક્ષ્મ હેન્ડ એમ્બ્રોઇડરી, શિલ્પાકૃતિ જેવાં ડ્રેપિંગ અને પથ્થરની પ્રતિમા જેવાં દેખાતાં બોડી પેઇન્ટિંગ દ્વારા ફેશન, કલા અને શિલ્પ વચ્ચેની સીમાઓને લગભગ ઓગાળી દેવામાં આવી હતી.
દરેક પરિધાનમાં ભારતની સદીઓ જૂની મંદિર પરંપરા અને દેવી પ્રતિમાઓની કલાત્મક અભિવ્યક્તિ જીવંત થઈ ઊઠતી હતી. રનવે પર મોડેલ જાણે મૂર્તિઓ જીવંત થઈને રૅમ્પ પર પહોંચી હોય એવું લાગતું હતું. તેમનાં કોસ્ચ્યુમ્સ અને મેકઅપ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા કે જાણે પ્રાચીન મંદિરની પ્રતિમાઓ જીવંત બનીને રનવે પર ઉતરી આવી હોય.અમેરિકન મોડેલ પ્રીતિકા સ્વરૂપ પારદર્શક અને ઝીણવટભરી એમ્બ્રોઇડરીવાળા ગાઉનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
જ્યારે ચીની અભિનેત્રી ફેન બિંગબિંગ પણ કાળા રંગના બોડીકોન ગાઉન અને ભવ્ય શિલ્પાકૃતિ જેવાં હેડપીસમાં રનવે પર છવાઈ ગઈ હતી. ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયિકા અને રેપર કાર્ડી બી પણ રાહુલ મિશ્રાના ફોલ ૨૦૨૬ કૂટ્યુર શોમાં સંપૂર્ણ સફેદ કસ્ટમ કોસ્ચ્યુમમાં જોવા મળી હતી. ‘દેવી’ કલેકશનથી પ્રેરિત આ આઇવરી ગાઉનમાં દિવ્ય નારીશક્તિની કલાત્મક અભિવ્યક્તિ જોવા મળી હતી.શિલ્પાકૃતિ જેવી રચના ધરાવતા આ ગાઉનમાં પ્રાચીન પથ્થરની મૂર્તિઓની પ્રેરણાથી તૈયાર કરાયેલ ઇલ્યુઝન બોડિસ, ઝીણવટભરી હેન્ડ એમ્બ્રોઇડરી તેમજ મોતી અને ક્રિસ્ટલથી બનાવાયેલા દાગીના જેવા દેખાતાં નમૂનાઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.રાહુલ મિશ્રાના શોમાં હાજરી આપવા પહોંચેલી ઈશા અંબાણી પણ પોતાનાં ભવ્ય લુકને કારણે ચર્ચામાં રહી હતી.
તેણે મેટાલિક ગ્રે રંગનું કસ્ટમ સ્ટ્રેપલેસ કુટ્યોર ગાઉન પહેર્યું હતું, જેમાં સ્ટ્રક્ચર્ડ કોર્સેટ, ક્રિસ્ટલ, સિક્વિન અને થ્રી-ડાયમેન્શનલ બીડવર્ક દ્વારા અનોખી કારીગરી કરવામાં આવી હતી.ઈશા અંબાણીના લૂકમાં સૌથી વધુ ચર્ચા તેમની દુર્લભ ડાયમંડ સ્ટડેડ હર્મેસ ‘સેક બિજુ બિર્કિન’ બેગની રહી હતી. આ ખાસ બેગ અગાઉ તેની માતા નીતા અંબાણી પાસે પણ જોવા મળી હતી.ss1
