Western Times News

Gujarati News

અમદાવાદ-ગાંધીનગરનો ‘ગ્રીન ગ્રોથ’: આ વિસ્તારોમાં હરિયાળી વધી, ચાલુ વર્ષે વધુ 10 લાખ વૃક્ષો રોપાશે

4 વિધાનસભા વિસ્તારોમાં મેગા પ્લાન્ટેશન થકી અમદાવાદમાં ‘ગ્રીન કવચ’નો નિર્ધાર
વિશ્વભરમાં વધી રહેલા તાપમાન, ગ્લોબલ વોર્મિંગની અસરો અને કાળઝાળ ગરમીના સંકટ સામે હવે મેગા સિટી અમદાવાદે પર્યાવરણીય રક્ષણ માટે કમર કસી છે. કોંક્રિટના જંગલ તરીકે ઓળખાતા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોને શુદ્ધ હવા મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં એક વ્યાપક હરિયાળી ક્રાંતિ (ગ્રીન કવર ઝુંબેશ) ચલાવવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કરાયેલા સઘન પ્રયાસોના પરિણામે અમદાવાદના જુદા જુદા રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં ગ્રીન કવરમાં નોંધપાત્ર અને ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે.

વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૫ દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હરિયાળીમાં થયો નોંધપાત્ર વધારો

અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા મુખ્ય રહેણાંક વિસ્તારોમાં વૃક્ષો અને વનસ્પતિની ઘનતામાં રેકોર્ડબ્રેક પ્રગતિ થઈ છે. વર્ષ ૨૦૧૯ ની સ્થિતિની સરખામણીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં થયેલો ગ્રીન એરિયાનો વધારો નીચે મુજબ છે:
• *નારણપુરા વિધાનસભા:* અમદાવાદના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલા નારણપુરા વિસ્તારમાં સઘન વૃક્ષારોપણ અને ઓક્સિજન પાર્કના કારણે હરિયાળીના કુલ વિસ્તારમાં સૌથી વધુ ૬૪.૪૩% નો ધરખમ વધારો નોંધાયો છે.
• *વેજલપુર વિધાનસભા:* ઝડપથી વિકસતા વેજલપુર, મક્તમપુરા અને જોધપુર જેવા વિસ્તારો ધરાવતી આ વિધાનસભામાં ગ્રીન કવરમાં ૪૫.૪૨% નો મોટો ઉછાળો આવ્યો છે, જે પ્રદૂષણ નિયંત્રણમાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.
• *ઘાટલોડિયા વિધાનસભા:* અમદાવાદના સૌથી મોટા રહેણાંક હબ ગણાતા ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વિસ્તારમાં સઘન શહેરીકરણ છતાં હરિયાળીના પ્રમાણમાં ૨૭.૫૭% નો નોંધપાત્ર વધારો પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે.
• *સાબરમતી વિધાનસભા:* રાણીપ, સાબરમતી અને ચાંદખેડા જેવા ભારે ટ્રાફિક અને રેલવે નેટવર્ક ધરાવતા ગીચ વિસ્તારો વચ્ચે પણ જમીનની ઉપલબ્ધતા મુજબ આયોજન કરીને ગ્રીન વિસ્તારમાં ૧૦.૨૧% નો પ્લસ ગ્રોથ નોંધાયો છે.
• અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જાપાનીઝ મિયાવાકી અને ડેન્સ પ્લાન્ટેશન પદ્ધતિથી ૯૪ જેટલા ઓક્સિજન પાર્ક પણ કાર્યરત કરાયા છે.

ભવિષ્યનું આયોજન: વર્ષ ૨૦૨૬-૨૭ નો ‘મેગા ગ્રીન ટાર્ગેટ’

આ સફળતાને પગલે અમદાવાદ મહાનગરપાલિકા અને વન વિભાગના સહયોગથી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન અમદાવાદના આ જ વિસ્તારોમાં લાખોની સંખ્યામાં નવા છોડ અને વૃક્ષો વાવવાનો એક મોટો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વિધાનસભા વાઇઝ આયોજન નીચે મુજબ છે:
૧. *ઘાટલોડિયા વિધાનસભા વિસ્તાર:* આ વર્ષે સૌથી વધુ ૪,૪૬,૯૯૬ નવા વૃક્ષો વાવીને આખા વિસ્તારને ગ્રીન બેલ્ટમાં ફેરવવામાં આવશે.
૨. *વેજલપુર વિધાનસભા વિસ્તાર:* વિસ્તારની સોસાયટીઓ અને જાહેર પ્લોટોમાં કુલ ૩,૮૭,૮૦૦ નવા છોડ રોપવાનું આયોજન છે.
૩. *સાબરમતી વિધાનસભા વિસ્તાર:* સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ૧,૪૩,૧૯૨ વૃક્ષો વાવવામાં આવશે.
 ૪. *નારણપુરા વિધાનસભા વિસ્તાર:* અગાઉ મેળવેલી સફળતાને જાળવી રાખીને વધુ ૭૯,૪૦૦ નવા વૃક્ષો ઉમેરવામાં આવશે.
*શા માટે આ ઝુંબેશ અમદાવાદ માટે સંજીવની સમાન છે?*
અમદાવાદમાં ઉનાળા દરમિયાન તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર કરી જાય છે, જેને પર્યાવરણની ભાષામાં ‘હીટ આઇલેન્ડ ઇફેક્ટ’ કહે છે. પાકા રસ્તાઓ અને બિલ્ડિંગો ગરમીને પકડી રાખે છે. આ સ્થિતિ સામે રક્ષણ મેળવવા માટે ગ્રીન નેટ કે કૃત્રિમ છાંયડા કરવાના બદલે વૃક્ષોનો કાયમી કુદરતી છાંયડો જ એકમાત્ર ઉપાય છે.
આગામી સમયમાં અમદાવાદમાં વાવવામાં આવનારા આ લાખો વૃક્ષો માત્ર તાપમાન જ નીચું નહીં લાવે, પરંતુ હવામાં રહેલા ઝેરી રજકણોને શોષીને નાગરિકો માટે શુદ્ધ ઓક્સિજન ઉપલબ્ધ કરાવશે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના આ ‘ક્લીન એન્ડ ગ્રીન અમદાવાદ’ વિઝનને સફળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત અમદાવાદના નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રહેણાંક સોસાયટીઓ પણ વ્યાપક સ્તરે જોડાઈ રહી છે.
*૧૨ જુલાઈએ ‘હરિયાળી લોકસભા’ માટે મહાઅભિયાન: નાગરિકોને જોડાવા આહ્વાન*
આ વ્યાપક હરિયાળી ક્રાંતિના ભાગરૂપે આગામી ૧૨ જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગર લોકસભા વિસ્તારને સંપૂર્ણપણે ‘હરિયાળી લોકસભા’ બનાવવાનો છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સંદેશ આપતાં જણાવ્યું છે કે, “પર્યાવરણનું જતન કરીને જ આપણે આવનારી પેઢીઓને વિકસિત અને હરિયાળું ભવિષ્ય આપી શકીશું.” આ રાષ્ટ્રહિતના કાર્યમાં પરિવારના દરેક સભ્ય દીઠ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને સહભાગી થવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ મહા-અભિયાનમાં જોડાવા અને પોતાનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે નાગરિકો અત્યારથી જ www.gandhinagarloksabha.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.