રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર યુક્રેનના વળતા હુમલા
ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયાએ સતત બીજા દિવસે પણ રાજધાની કીવ પર હુમલાઓ કરીને દબાણ વધાર્યું હતું
યુક્રેન પર રશિયાના મિસાઇલ હુમલામાં ૪નાં મોત, ૩૦ ઘાયલ
કીવ,રશિયાએ બુધવારે વહેલી સવારે અને બપોરે યુક્રેનના વિવિધ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કરતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાં હતાં અને આશરે ૩૦ ઘાયલ હતાં. ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયાએ સતત બીજા દિવસે પણ રાજધાની કીવ પર હુમલાઓ કરીને દબાણ વધાર્યું હતું. કીવમાં મધરાત પછી જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતાં.બીજી તરફ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેને રશિયાના સારાતોવ અને તાતારસ્તાન પ્રદેશમાં આવેલી ઓઇલ રિફાઇનરીઓને નિશાન બનાવી હુમલો કર્યાે હતો.
ઝેલેન્સ્કી તુર્કીમાં યોજાઇ રહેલી નાટો સમિટ દરમિયાન અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે પહોંચ્યા હતાં. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકા યુક્રેન માટે પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમનું ઉત્પાદન અન્ય દેશોમાં પણ થઈ શકે તે માટે લાઇસન્સ આપશે.કીવ શહેરમાં થયેલા હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતાં. આ હુમલામાં અનેક સરકારી ઇમારતો, ગોડાઉન, ગેરેજ અને ટ્રામને નુકસાન થયું હતું.
થોડા કલાકો બાદ રશિયન ડ્રોને કીવના ડેસ્નિયાન્સ્કી વિસ્તારાને નિશાન બનાવ્યો હતો, જેમાં વધુ એક વ્યક્તિનું મોત થયું હતું અને છ લોકો ઘાયલ થયા હતાં. આમ, કીવમાં કુલ આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ખાર્કિવ શહેરમાં હુમલામાં બે લોકોના મોત થયા હતાં અને ૨૦ લોકો ઘાયલ થયા થયાં હતાં. ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં રશિયાએ ગાઇડેડ બોમ્બ વડે હુમલો કરતાં એક પુરુષ અને એક મહિલા ઘાયલ થયાં હતાં. SS1
