ટ્રેનના એસી કોચમાં રૂ. ૧૦૦ કરોડના રૂમાલ, બેડશીટ, ઓશીકાની ચોરી
દર ૧૦૦૦માંથી એક મુસાફર કોઇને કોઇ વસ્તુ લઇ જાય છે
૪૬ લાખ રૂમાલ, ૪૧ લાખ બેડશીટ, ઓશીકાના ૨૩ લાખ કવર મળીને કુલ ૧.૨૭ કરોડ વસ્તુઓ ગાયબ
નવી દિલ્હી,ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે, ક્યારેક ગરીબ વર્ગના લોકો ભારે ભીડને કારણે એસી કોચમાં ઘૂસી જતા હોવાના વીડિયો સામે આવતા હોય છે, જોકે હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે જે આ એસી કોચમાં મુસાફરી કરનારાઓ કેટલાક લોકો પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૨૨થી આ વર્ષ દરમિયાન ટ્રેનમાંથી મુસાફરો ખુદ રૂ. ૧૦૦ કરોડથી વધુની બેડશીટ, ચાદરો, ઓશીકાં કે તેના કવર, રૂમાલ વગેરે આશરે ૧.૨૭ કરોડ વસ્તુઓની ચોરી થઇ છે.
આંકડા મુજબ દર રાત્રે લગભગ આઠ લાખ એસી કોચના મુસાફરો પથારીનો સામાન એટલે કે લિનન બેડરોલનો ઉપયોગ કરે છે. જેમાં મુખ્યત્વે ચાદરો, બેડશીટ, તકિયા તેવા કવર, ફેસ ટોવલ વગેરેનો સમાવેશ થાય છે. આ સુવિધા ટિકિટની સાથે આપવામાં આવતી હોય છે. જોકે આ તમામ વસ્તુઓ રેલવેની માલિકીની રહે છે અને માત્ર ઉપયોગ કરવા માટે જ રાખવામાં આવી હોય છે. પરંતુ આવી વસ્તુઓની મુસાફરો દ્વારા ચોરી કરવાનું પ્રમાણ વધવા લાગ્યું છે.
આંકડા મુજબ ૨૦૨૨થી મે ૨૦૨૬ દરમિયાન ટ્રેનોમાંથી આશરે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની આવી વસ્તુઓ મુસાફરો ઉઠાવી ગયા. આરટીઆઇમાં પ્રાપ્ત આંકડા મુજબ જે પણ વસ્તુઓ મુસાફરો દ્વારા ચોરી કરવામાં આવી છે તેમાં રૂમાલની સૌથી વધુ ચોરી થઇ છે. આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન ૪૬.૫૪ લાખ રૂમાલ ચોરી થઇ ગયા કે ગુમ થઇ ગયા. જ્યારે ૪૧.૧૩ લાખ બેડશીટ, ૨૩.૫૯ લાખ ઓશીકાંના કવર, ૧૨.૯૫ લાખ બ્લેન્કેટ્સ ચોરી થઇ ગયા.
સૌથી ઓછી ચોરી ઓશીકાંની થઇ હતી. આશરે ૨.૭૬ વાખ ઓશીકાં ચોરાયા હતા. સૌથી વધુ ચોરી બિકાનેર રેલવે ડિવિઝન પર થઇ જ્યાં ૨૫.૭૬ લાખ વસ્તુઓ ચોરી થઇ, ૯.૩૧ લાખ વસ્તુ સાથે રાંચી બીજા, ૮.૨૧ લાખ વસ્તુ સાથે દિલ્હી ત્રીજા અને આઠ લાખ વસ્તુઓની ચોરી સાથે જોધપુર ચોથા ક્રમે રહ્યું. આંકડા મુજબ દર ૧૦૦૦ મુસાફરમાંથી એક મુસાફર કોઇને કોઇ એક વસ્તુ પોતાની સાથે ચોરી ગયો હોવાનો ખુલાસો થયો છે.SS1
