Western Times News

Gujarati News

36 મોટી કંપનીઓએ 257 ITI યુવાનોને સ્થળ પર જ આપી નોકરી: ૧૮,૦૦૦થી ૩૨,૦૦૦ સુધીનો પગાર!

આઈ.ટી.આઈ. કુબેરનગર ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળામાં 36 અગ્રણી કંપનીઓ દ્વારા 257 ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી

પરીક્ષા પહેલાં જ 1241 ITI તાલીમાર્થીઓને મળ્યા જોબ ઓફર લેટર અને મહિને 32,000 સુધીના પેકેજ સાથે રોજગારી

આઈ.ટી.આઈ. કુબેરનગરમાં એપ્રેન્ટિસ મેળામાં યુવાનોની થઈ બમ્પર ભરતી, બીજા રાઉન્ડ માટે પ્રવેશ પ્રક્રિયા આગામી 18 જુલાઈથી શરૂ

ગાંધીનગરના એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનીંગ વિભાગ સંચાલિત આઈ.ટી.આઈ કુબેરનગર, અમદાવાદ ખાતે તાજેતરમાં જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. 

રોજગારી અને કૌશલ્ય વર્ધનના આ પર્વમાં કુલ 36 જેટલી અગ્રણી ઔદ્યોગિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેળામાં પોતાની કારકિર્દી ઘડવા માટે કુલ 327 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી પ્રાથમિક તબક્કામાં જ ઘટનાસ્થળે 257 જેટલા લાયક ઉમેદવારોની વિવિધ કંપનીઓ દ્વારા પસંદગી કરવામાં આવી છે. જ્યારે બાકી રહેતા અન્ય ઉમેદવારોની આખરી પસંદગી માટે સંબંધિત ઉદ્યોગો દ્વારા આગામી સમયમાં આગળની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ સફળ આયોજન બદલ આઈ.ટી.આઈ કુબેરનગરના આચાર્ય શ્રી એન.વી. દેસાઈએ ઉપસ્થિત તમામ કંપનીઓના પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ કંપનીઓને વધુમાં વધુ સંખ્યામાં યુવા ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે તક આપવા તથા નિયમ અનુસાર યોગ્ય સ્ટાયપેન્ડ ચૂકવવા માટે વિશેષ વિનંતી કરી હતી. 

સંસ્થાની પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓ અંગે ગૌરવપૂર્વક માહિતી આપતા આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે માર્ચ મહિનાથી જ પ્લેસમેન્ટ પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવે છે. દેશની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ આઈ.ટી.આઈ કુબેરનગરના તાલીમાર્થીઓની ગુણવત્તાથી આકર્ષાઈને તેમને સીધા કંપનીના પેરોલ પર રૂપિયા 18,000 થી લઈને રૂપિયા 32,000 સુધીના આકર્ષક માસિક વેતન સાથે ઓફર લેટર આપી રહી છે.

સંસ્થાની ઉત્કૃષ્ટ તાલીમ અને ઉદ્યોગ જગત સાથેના સશક્ત જોડાણના પરિણામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 1241 જેટલા તાલીમાર્થીઓને તેમની અંતિમ પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં જ વિવિધ કંપનીઓ દ્વારા રોજગારીના ઓફર લેટર એનાયત કરી દેવામાં આવ્યા છે, જે સંસ્થાની મોટી ઉપલબ્ધિ છે. 

આ ઉપરાંત, સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એડમિશનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે બીજા રાઉન્ડની પ્રક્રિયા આગામી તારીખ 18 જુલાઈથી 22 જુલાઈ, 2026 દરમિયાન યોજાશે. પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ ઉમેદવારો સંસ્થા ખાતે રૂબરૂ આવીને અથવા સત્તાવાર વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકશે. હાલમાં સંસ્થા ખાતે ઉપલબ્ધ અંદાજે 1400 જેટલી ખાલી બેઠકો માટે આ પ્રવેશ પ્રક્રિયા શરૂ રાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.