Western Times News

Gujarati News

ગિરનાર અને દાતાર સીડી માર્ગને સાયલન્ટ ઝોન જાહેર કરાશે

(એજન્સી)ગાંધીનગર, જૂનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે ૫૦માં પગથિયા નજીક એક દુઃખદ ઘટના બની હતી.જેમાં ખેડા જિલ્લાના ૧૧ વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો.

જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે.આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે સંદર્ભે ગહન ચર્ચા કરી કેટલા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા .

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે,તાજેતરમાં ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં દુઃખદ ઘટના બની હતી. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એ માટે વન વિભાગ દ્વારા કેટલાક પગલાઓ લેવાનું નક્કી કર્યું છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહેતા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટરિંગ કરવામાં આવશે.આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી ગિરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા,વન્યજીવ વ્યવસ્થાપન, ઇમરજન્સી પ્રતિસાદ અને આંતરવિભાગીય સંકલન માટે એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી તેનો અમલ કરવામાં આવશે.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,ગિરનાર અને દાતાર સીડી માર્ગને સાયલન્સ ઝોન જાહેર કરવામાં આવશે.જેથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે.સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત, ગિરનાર પર્વત પર યાત્રાઓની સુરક્ષા માટે વન વિભાગનાં ૨૫ ટ્રેકર કાયમી વોચ રાખશે.ગિરનાર પર્વત પર આવતા યાત્રાળુઓની સુરક્ષા સંદર્ભે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે વન્યજીવ વિસ્તારમાં કેવી રીતે વર્તવું તે અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

જેમાં માર્ગદર્શન, સૂચનાઓ અને સુરક્ષા અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવશે.રાજ્ય સરકાર ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.