બાગાયતી પાકોને ઇન્ટરનેશનલ સ્તર પર પહોંચાડવા આયોજનો
અમદાવાદ: બજેટમાં નાણાંમંત્રી દ્વારા બાગાયતી ક્ષેત્રને લઇ હજારો લારીવાળા, ફેરિયાઓ, છૂટક વેચાણકર્તાઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બાગાયતી પાકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા માટે રૂ.૨૫ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, રાજયમાં હજારો લારીવાળા ભાઇ બહેનો રોડની સાઇડમાં કે ખુલ્લી જગ્યામાં ઊભા રહી ફળફળાદી , શાકભાજી વગેરેનું વેચાણ કરે છે. આ નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે.
આવા અંદાજે ૬૫ હજાર છૂટક વેચાણકારો માટે રૂ.૮ કરોડની જોગવાઇ કરાઇ છે. તો, ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી પછી થતું નુકસાન અટકાવવા અને મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા, જામનગર , કચ્છ , નવસારી અને છોટાઉદેપુરમાં એફ.પી.ઓ. આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેને ઇ – નામ સાથે સાંકળી બાગાયતી ઉત્પાદનોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા રૂ.૨૫ કરોડની જોગવાઈ કરાઇ છે. સાથે સાથે બાગાયતી પાકના મૂલ્ય વર્ધન માટે કૌશલ્ય વર્ધન અંગેની તાલીમ આપવા રૂ.૬ કરોડની, જામનગર જિલ્લામાં નવું સેન્ટર ઓફ એકસલેન્સ ઊભું કરવા રૂ.૨ કરોડની જોગવાઇ અને કૃષિ યુનિવર્સિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ રૂ.૭૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.