Western Times News

Gujarati News

ટ્રમ્પની ભારત મુલાકાત : પેરેનિયલ્સ કંપની ૧૦૦ કરોડનું રોકાણ કરશે

વડોદરા: અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાતની મુલાકાત ઉદ્યોગ જગતને ફળી છે. દેશનાં અને ખાસ કરીને ગુજરાતનાં ઉદ્યોગ જગતમાં આ મુલાકાતે પ્રોત્સાહજનક, ઉત્સાહજનક સ્થિતિ નિર્માણ કરી છે. બન્ને દેશોનાં વડાઓ સાથેની મુલાકાત વચ્ચે સકારાત્મક સંકેતો સાથે ગુજરાત- વડોદરાનાં સાવલી મંજુસર ખાતે આવેલ અમેરિકન કંપની પેરેનિયલ્સ ઇન્ડીયાએ આગામી વર્ષમાં રૂપિયા ૧૦૦ કરોડના રોકાણ સાથે કંપનીના વિસ્તરણનો નિર્ણય કર્યો છે.

કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અમોલ બિનિવાલે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઉચ્ચ શ્રેણીનું કાર્પેટનું ઉત્પાદન કરી ૧૦૦ ટકા નિકાસ કરતી આ અમેરિકન કંપની વધુ ૧૦૦ કરોડનું મુડીરોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૯માં જયારે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અમેરીકાની મુલાકાતે ગયા હતા. ત્યારે હાઉડી મોદી કાર્યક્રમમાં જે ૧૨ અમેરિકન કંપનીને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી તેમાં પેરેનિયલ્સ ઇન્ડિયાનો પણ સમાવેશ થતો હતો. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ સાથે કંપનીએ ભારતમાં ૯૦ દિવસોમાં ઉત્પાદન શરૂ કર્યું હતું અને હવે આગામી દિવસોમાં કંપની વઘુ ૧૦૦ કરોડ રોકાણ સાથે વિસ્તરણના કાર્યક્રમની જાહેરાત કરી છે.

વિદેશ નીતિના જાણકાર આર્થિક નિષ્ણાતો પણ ઘણા જ આશાવાદી છે જે રીતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટેરા સ્ટેડિયમ પર તેમના જાહેર પ્રવચનમાં સંરક્ષણ સહીત વિવિધ સેક્ટરમાં કરાર સાથેના રોકાણ અંગેના સકારાત્મક સંકેતો આપ્યા છે. સાથે ચીનમાં કોરાના વાયરસને લઇને વિશ્વના વ્યવસાયિક સેન્ટિમેન્ટ બદલાયા છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતથી ભારત અને અમેરિકા સંબંધો ગાઢ બનવાના સંકેતો એ સ્વાભાવિક છે અમેરિકન કંપનીઓ ભારતમાં તેનું રોકાણ વધારશે.

પેરેનિયલ્સ ઇન્ડિયા ભારતના કારીગરોની મદદથી હાથવણાટ વડે ઉચ્ચ શ્રેણીની કાર્પેટનું ઉત્પાદન કરે છે ત્યારે ૧૦૦ ટકા અમેરિકન રોકાણ સાથે કાર્યરત આ કંપનીના ૧૦૦ કરોડના રોકાણ સાથે વિસ્તરણથી ગુજરાતમાં પરંપરાગત કારીગરોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.