નંદન ડેનીમના માલિકો વિદેશ ભાગી ગયાની ચર્ચા
ભીષણ આગની ઘટનામાં ૭ મજુરોના મૃત્યુ નીપજતા પોલીસ કાર્યવાહીથી બચવા માલિકો સંતાતા ફરે છે
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના નારોલમાં તાજેતરમાં જ ચીરીપાલ ગ્રુપની નંદન ડેનીમ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકોના મોત નીપજયા હતાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા ગૃહ વિભાગે જવાબદારો સામે પગલાં ભરવાનો આદેશ આપતા પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું અને સાત વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી કંપનીના માલિકો હજુ હાથમાં આવ્યા નથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે કંપનીના એમડી તથા સીઈઓ કોલકાત્તા થઈ દુબઈ ભાગી ગયા હોવાનું મનાઈ રહયું છે. જાકે આ અંગે સત્તાવાર કશું જાણવા મળ્યું નથી.
આ અંગેની વિગત એવી છે કે નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનીમ કંપનીમાં વધુ એક વખત તાજેતરમાં જ ભીષણ આગ લાગી હતી આ કંપનીમાં અવારનવાર આગ લાગતી હોવાથી આ સમગ્ર ઘટનાઓ ખૂબજ ચર્ચાસ્પદ બની રહી છે. તાજેતરમાં લાગેલી ભીષણ આગમાં ૭ જેટલા શ્રમિકો જીવતા ભુંજાયા હતાં.
જેના પરિણામે શ્રમિકોમાં ભારે રોષ જાવા મળતો હતો અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં. લોકોમાં ફેલાયેલા રોષને પગલે શહેર પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું હતું ફાયરબ્રિગેડે પણ કંપનીની ઘોર બેદરકારી હોવાનું કારણ રજુ કર્યું હતું જેના પગલે કંપનીના સત્તાવાળાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી હતી આ પરિસ્થિતિ વચ્ચે રાજય સરકારે પણ જરૂરી તમામ પગલા ભરવાની ખાતરી આપી હતી.
આગની આ ઘટના બાદ હરકતમાં આવેલા પોલીસ વિભાગે કંપનીના માલિકો સહિત કુલ ૭ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને કંપનીના મેનેજર સહિતત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી જયારે ચાર વ્યક્તિઓ નાસતા ફરતા હતા જાકે કંપનીના મેનેજીંગ ડિરેકટર જયોતિ ચીરીપાલ તથા તેમના પુત્ર તથા કંપનીના સીઈઓ દિપક ચીરીપાલ ધરપકડથી દુર ભાગી રહયા છે. આ બંનેની શોધખોળ ચાલી રહી છે.
આગની ઘટના બાદ કંપનીના માલિકોને ઝડપી લેવા માટે પોલીસતંત્ર એલર્ટ બનેલું છે જાકે તેમના માલિકો હજુ સુધી નહી પકડાતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. આટલો બધો સમય થવા છતાં માલિકો નહી પકડાતા હવે તેઓ વિદેશમાં ભાગી ગયા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. પિતા-પુત્ર કોલકાત્તાથી દુબઈ ભાગી ગયા હોવાની ચર્ચાએ જાર પકડયું છે. જાકે પોલીસને આશા છે કે ટુંક સમયમાં જ આ બંને જણાં પકડાઈ જશે.