Western Times News

Gujarati News

જનતાની જીત : 6 વર્ષ, 6 મહિના અને 11 દિવસે અરવલ્લી જિલ્લામાં ડ્રાઇવિંગ ટ્રેક માટે મંજૂરી:નેતાઓ જાતે જ શ્રેય લેવા તલપાપડ  

ભિલોડા: અરવલ્લી જિલ્લાનું નિર્માણ થયાને સાડા છ વર્ષ જેટલો સમય વિતી ગયા પછી આખરે આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટ્રેક શરૂ કરવાની મંજૂરી મળી છે. આઝાદીની જેમ લાંબો સંઘર્ષ બાદ જનતાની સુવિધામાં વધારો થયો છે પણ જનતાની આ ખુશીઓનો શ્રેય નેતાઓ છીનવી લેતા હોય તેમ તેમની ભલામણ થી ટ્રેક મંજુર થયો હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઈરલ કરવાની સાથે ભલામણ પત્રો સાથેની પોસ્ટ કરવાની હોડ લાગી ગઇ છે.


અરવલ્લી જિલ્લાની એઆરટીઓ કચેરીમાં હવે ડ્રાઈવિંગ ટ્રેક શરૂ કરવામાં આવશે અને અરજદારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે છેક સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સુધી નહીં જવું પડે. નેતાઓ ભૂલી ગયા છે કે લોકોએ તેમને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે ત્યારે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી રાજકીય પદાધિકારીઓ જાણે જિલ્લાવાસીઓ માટે ઉપકાર કર્યો હોય તેમ જશ ખાટવા થઇ રહેલી પડાપડી ચર્ચાનું કેન્દ્ર બની છે.

અરવલ્લી જિલ્લાની રચના થયા બાદ નવી કચેરીઓ આવી ગઇ હતી, તમામ કચેરીઓ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી હતી,પણ કેટલીક મંજૂરી તેમજ કાગળની કાર્યવાહીને કારણે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી સુવિધાઓનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. તેમાંય આરટીઓ કચેરી ખાતે બનાવાયેલો આધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક જેમાંનો એક હતો. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કેટલીક અડચણોને કારણે ટ્રેક મૃત હાલતમાં પહોંચી હતી, જો કે, સાડા છ વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે ટ્રેક કોમામાંથી બહાર આવી જતાં હવે જેટલી ખુશી અરજદારોના ચહેરાઓ પર છે,

તેના કરતાં બમણી ખુશી તો નેતાઓની આંગળીઓના ટેરવે આવી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેકની મંજૂરી મળતાની સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવાનો મારો ચલાવાયો હતો, જેમાં નેતાઓએ પોતાની રજૂઆતોને કારણે ટ્રેક શરૂ કરવાની મંજૂરી મળી હોવાના દાવાઓ કરી દીધા હતા, એટલું જ નહીં વાહન વ્યવહાર મંત્રીનો આભાર વ્યક્ત કરતા ફોટો પણ સોશયલ મીડિયા પર શેર થયા છે.

અરવલ્લી જિલ્લાની પ્રદેશિક વાહન વ્યવહારની કચેરીમાં લાઈસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક શરૂ ન થતાં અરજદારોએ હાલાકીનો સામનો કરી રહ્યા હતા.કચેરીમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ હતી, પણ લાઇસન્સ ધારકોને ટેસ્ટ આપવા માટે સાબરકાંઠા સુધી જવું પડતું હતું.

લાઇસન્સ ધારકોને કાચુ લાઇસન્સ તો જિલ્લાની પ્રાદેશિક કચેરીમાંથી ઇશ્યુ થઇ જતુંપણ વાહન ટેસ્ટ આપવા માટે પચાસ કિલીમિટર દૂર હિંમતનગર સુધી જવાનો વારો આવો હતો, જેને લઇને અરજદારોને નાણાં અને સમયનો વ્યય થતો હતો. પણ હવે જનતાને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે સાબરકાંઠા સુધી નહીં જવું પડે, કારણ કે, મોડાસામાં જ હવે ડ્રાઇવિંગ ટ્રેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.