Western Times News

Gujarati News

આણંદ જિલ્લામાં ૭મી આર્થિક ગણતરીનો પ્રારંભ નાગરીકોને પુરો સહકાર આપવા અનુરોધ કરાયો

આણંદ: આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથક અને તમામ ગ્રામ્ય વિસ્તારો માટે દેશની ખૂબ જ મહત્વકાંક્ષી ૭મી આર્થિક ગણતરીનું કામ પ્રારંભ થયેલ છે. ત્યારે ગણતરીદાર અને સુરવાઈઝરો  આ કામે લાગ્યા છે. દેશના હિતમાં  અને આગામી  સમય માટે ખૂબ જ મહત્વની એવી આ આર્થિક ગણતરી માટે ગણતરીદાર, સુપરવાઈઝર દ્વારા આણંદ જિલ્લાના નાગરીકોને સંપર્ક કરવામાં આવે ત્યારે પૂરો સહકાર આપવા કલેક્ટરશ્રી અને અધ્યક્ષ સંકલન સમિતિ ૭મી આર્થિક ગણતરી આણંદ શ્રી આર.જી. ગોહિલે અનુરોધ કર્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર સમયાંતરે વ્યક્તિઓ/ કુંટુબ/સંસ્થા પાસેથી વિવિધ સામાજિક-આર્થિક બાબતોની માહિતી એકત્ર કરે છે. જેનો ઉપયોગ નીતિ ઘડતર માટે કરવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્રારા ૭મી આર્થિક ગણતરી શરૂ કરવામાં આવેલ જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ૭મી આર્થિક ગણતરીનો શુભારંભ કરવામાં આવેલ છે. આર્થિક ગણતરી ખુબ જ અગત્યની ગણતરી છે.

આ ગણતરીથી દેશમાં ક્યાં પ્રકારના રોજગાર ચાલી રહ્યા છે ? ક્યાં રોજગારમાં કેટલા લોકો રોકાયેલા છે ? તે અંગેની જાણકારી મેળવવાનો મુખ્ય આશય છે. આર્થિક ગણતરી દેશના આર્થિક ક્ષેત્રના વિકાસ તેમજ ભવિષ્યના લાંબાગાળાના આયોજનમાં મદદરૂપ થઈ શકેલ જેમાં સૌ પ્રથમવાર મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી આર્થિક ગણતરી શરૂ કરવામાં આવેલ છે.

કલેક્ટરશ્રીએ જણાવ્યું કે,કેન્દ્ર સરકારના Common Services Centre(SC), e-Governance Service India Ltd. અને ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્રારા ૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય અને સુપરવિઝનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ગણતરીની કામગીરી માટે આપના ત્યાં જે ગણતરીદાર/સુપરવાઈઝર આવે તે CSC, e-Governance Service India Ltd. દ્રારા નિમણૂંક પામેલા ગણતરીદાર સુપરવાઈઝર હશે. આથી આ ગણતરી હેઠળ પુછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપના દ્રારા ખાત્રીપુર્વક- ચોક્કસ અને સાચા જવાબો તેમને પુરા પાડશો. જેથી આ મેળવવામાં આવેલ વિગતોનો અભ્યાસ કરી ૭મી આર્થિક ગણતરીના પરિણામો બહાર પાડી શકાય. રાજ્યની આર્થિક ધંધાકિય પ્રવૃત્તિ અંગેની માહિતી એ નીતિ વિષયક આયોજનમાં અત્યંત ઉપયોગી બનશે.

તેઓએ નાગરીકોને અનુરોધ કરતા જણાવ્યુંકે, આ ગણતરીની કામગીરી માટે આવેલા ગણતરીદાર/સુપરવાઈઝરને આપના દ્રારા આપવામાં આવેલ માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ ૭મી આર્થિક ગણતરીના પરિણામો તૈયાર કરવા માટે જ કરવામાં આવશે. આથી આ રાષ્ટ્રવ્યાપી મહત્ત્વની ગણતરી માટે ક્ષેત્રિય કામગીરી કરતા ગણતરીદાર/સુપરવાઈઝર જયારે પણ માહિતી એકત્રિત કરવા માટે આપનો સંપર્ક કરે ત્યારે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ સિવાય રાષ્ટ્રીય કામગીરીમાં શક્ય તે તમામ સહકાર આપવા નમ્ર વિનંતી છે.

આ બાબતોને ધ્યાને લઈ ૭મી આર્થિક ગણતરીની કામગીરીમાં આપ ગણતરીદાર/સુપરવાઈઝરોને સહકાર આપી સહભાગી બનવા પણ કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.