પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર થયેલ ઉજવણી
લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન મેળા, ફિલ્મ નિદર્શન, ડિબેટ, વક્તવ્ય સહિતના કાર્યક્રમો યોજાયા
ગોધરા જીમખાના ખાતે મોબાઈલ પ્લેનેટોરિયમનો અનુભવ લઈ વિદ્યાર્થીઓ રોમાંચિત થયા
ગોધરા દેશભરમાં 28 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જ શૃંખલામાં પંચમહાલ જિલ્લામાં પણ આ દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન મેળા, વૈજ્ઞાનિક શોધોને લગતી ફિલ્મોનું નિદર્શન, ડિબેટ, ક્વિઝ, વક્તવ્યો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગોધરા જિમખાના ખાતે મોબાઈલ પ્લેનેટોરિયમ દ્વારા શહેરના વિદ્યાર્થીઓને ભારતની અવકાશક્ષેત્રે સિધ્ધિ, ચંદ્રયાન તેમજ બ્રહ્માંડ અંગેની રસપ્રદ માહિતી આપતા એક શોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરની 20 શાળાઓના 1200 જેટલા બાળકો 360 ડિગ્રીમાં અવકાશનો અનુભવ કરાવતો આ શો નિહાળી રોમાંચિત અને પ્રોત્સાહિત થયા હતા.
આ પ્રસંગે લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રાધ્યાપક એ.સી.બારિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓ વિજ્ઞાનના મહત્વને જાણે, તેમાં રસરૂચિ કેળવે, ભારતના મહાન વૈજ્ઞાનિકો અને અવકાશ સહિતના ક્ષેત્રોમાં ભારતે મેળવેલ સિધ્ધિઓની જાણકારી મેળવે તે સુનિશ્ચિત કરવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દેશભરની વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે તા.29મી ફેબ્રુઆરી, શનિવારના રોજ ગોધરાના સરદારનગર ખંડ ખાતે સવારે 9 થી 11 દરમિયાન અવકાશ વિજ્ઞાન અને ગણિત વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં અવકાશીય વિજ્ઞાન અને ગણિત વિષયના તજજ્ઞો અરવિંદભાઈ પંચાલ અને જિગ્નેશભાઈ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. કાર્યક્રમમાં, બની ગયેલી અવકાશીય ઘટનાઓ અને ભવિષ્યમાં થનારી ઘટનાઓ અવકાશીય ગણિતની મદદથી કેવી રીતે અગાઉથી જાણી શકાય જેવા વિષયોને લઈને આયોજન કરવામાં આવ્યું છે. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનપ્રેમી નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.