Western Times News

Gujarati News

રાજય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ  કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાશે

રાજયના કુલ પ૬૫ શ્રેષ્ઠ પશુપાલકોને રૂ. ૪૬.૪૫ લાખના ઇનામો આપી પોત્સાહિત કરાશે

દાહોદ: દાહોદ જિલ્લામાં રાજય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે યોજાશે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ પશુપાલનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પશુપાલકોને બિરદાવવામાં આવશે. રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ પણ સમારંભના ઉદ્ધાટક તરીકે અને  જિલ્લાના સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી અને જિલ્લાના સર્વ ધારાસભ્યશ્રીઓ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં રાજયના કુલ પ૬૫ શ્રેષ્ઠ પશુપાલકોને રૂ. ૪૬.૪૫ લાખના ઇનામો આપી પોત્સાહિત કરવામાં આવશે. તદ્દનુસાર રાજયકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવનાર શ્રેષ્ઠ પશુપાલકોને ક્રમાનુસાર ૫૦ હજાર, ૩૦ હજાર અને ૨૦ હજારનો પુરસ્કાર આપી પોત્સાહિત કરવામાં આવશે. આ ઇનામની સંખ્યા એક રહેશે. રાજયના જિલ્લાઓમાં પ્રથમ આવનાર ૩૩ પશુપાલકોને રૂ. ૧૫ હજાર, બીજા સ્થાને આવનાર ૩૩ પશુપાલકોને રૂ. ૧૦ હજાર ઇનામ આપવામાં આવશે.

જયારે રાજયમાં વિવિધ તાલુકાઓમાં પ્રથમ આવનાર ૨૪૮ પશુપાલકોને રૂ. ૧૦ હજાર અને બીજા સ્થાને આવનાર ૨૪૮ પશુપાલકોને રૂ. ૫ હજારનું ઇનામ આપી પોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત નિષ્ણાતો દ્વારા પશુપાલન બાબતે માર્ગદર્શન આપવામાં આવશે અને પશુપાલનને લગતી વિવિધ યોજનાઓની સમજ આપવામાં આવશે. મહાનુભાવોને હસ્તે લાભાર્થીઓને વિવિધ પશુપાલન યોજનાઓની સહાય વિતરણ પણ કરવામાં આવશે.

કાર્યક્રમના નિમંત્રક તરીકે ગુજરાત સરકારના સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન વિભાગના સચિવ શ્રી મનિષ ભારદ્વાજ અને ગુજરાત રાજયના પશુપાલન નિયામક ડૅા. ફાલ્ગુની એસ. ઠાકર ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.