ICAIના નવા બિલ્ડિંગનું CM રૂપાણીએ ભૂમિપૂજન કર્યુ
અમદાવાદ ૨ માર્ચ ૨૦૨૦ : ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI)ના 4562 સ્કવેર મીટરમાં બની રહેલા નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યુ હતું.
ચાણક્યપુરી વિસ્તારમાં બનનારા નવા બિલ્ડિંગથી સીએનો અભ્યાસ કરતાં રાજ્યના તેમજ દેશનાં વિદ્યાર્થીઓને લાભ થશે. બિલ્ડિંગમાં રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે. જેમાં અલગ અલગ પ્રકારના કેસ સ્ટડીઝ પણ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત આ ભવનમાં સરકારી અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવશે.
આ પ્રસંગે શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , “દેશને આર્થિક સધ્ધર બનાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને CA સાકાર કરે છે. દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે ચાર્ટડ એકાઉન્ટન્ટ કામ કરી રહ્યા છે તે કહેવું ખોટું નથી. ગુજરાતમાં વિકાસ હવે ઉત્તમથી સર્વોત્તમ તરફ જઈ રહ્યો છે. ગુજરાત પ્રાથમિક જરૂરિયાતથી ઉપર વધી રહ્યું છે. નરેન્દ્ર મોદી દેશમાં આર્થિક સુધારા સાથે બદલાવ માટે પ્રયાસ કરી રહ્યા છે, ચાર્ટડ એકાઉન્ટન્ટના સાથ અને સહકારના કારણે આર્થિક સુધારા શક્ય બનશે.
ICAIના પ્રેસિડેન્ટ શ્રી અતુલકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં આકાર લઈ રહેલું આઈસીએઆઈનું નવું ભવન દેશમાં આઈકોનિક સેન્ટર બની રહેશે. તેમાં શિક્ષણ, તાલીમ અને સંશોધન સાથેના સતત નોલેજ અપડેશન પૂરા પાડવામાં આવશે. આ ભવનમાં રિસર્ચ સેન્ટર બનશે, જેમા પ્રેકટિકલ કેસ સ્ટડીઝ તૈયાર કરવામાં આવશે, જે વિશ્વના કોમર્સ અને મેનેજમેન્ટ સ્ટુડન્ટસને ઉપયોગી થશે.
ICAIના સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર શ્રી અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, આઈસીએઆઈનું નવું ભવન ૪૫૬૨ સ્કવેર મિટરમાં આકાર લઈ રહયું છે જે દેશમાં આઈકોનિક સેન્ટર બનશે. આ પ્રસંગે આઈસીએઆઈ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો આભાર વ્યકત કરે છે.