Western Times News

Gujarati News

નર્મદા કેનાલમાં પાણી છોડવાનો પ્રારંભ : ખેડૂતો ખુશખુશાલ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નર્મદાની સપાટીમાં સતત વધારો

(પ્રતિનિધિ) ગાંધીનગર : રાજયમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પાણીની કારમી અછત સર્જાઈ હતી જેના પરિણામે સિંચાઈના પાણી મેળવવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પાણી લેવા પર પ્રતિબંધ મુકાયો હતો.

પરંતુ તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નર્મદા કેનાલમાં પાણી છોડવાની કરેલી જાહેરાત મુજબ આજે સવારથી જ નર્મદા ડેમની સપાટી વધતા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે જેના પરિણામે રાજયભરના ખેડૂતોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યું છે.
રાજયમાં અસહ્ય ગરમી વચ્ચે જળાશયો સુકાવા લાગ્યા હતા જાકે નર્મદાની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થયો ન હતો તેમ છતાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા હતાં નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પાણી મેળવવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો.

આ દરમિયાનમાં દેશભરમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે જેના પરિણામે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા ડેમના ઉપરવાસમાં પણ છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહયો છે જેના પરિણામે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થવા પામ્યો છે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાજેતરમાં જ ખેડૂતો માટે સારી જાહેરાત કરી હતી અને નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવાનું જણાવ્યું હતું આ જાહેરાત મુજબ ગઈકાલથી જ નર્મદાની સપાટીમાં સતત વધારો થઈ રહયો છે જેના પગલે આજે અષાઢી બીજના રથયાત્રાના પવિત્ર દિવસે રાજય સરકારના સિંચાઈ વિભાગે નર્મદા ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદામાં નવા નીરની આવક થઈ છે અને સપાટીમાં સતત વધારો થઈ રહયો છે હાલમાં ૭૬૦૩૩ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને નર્મદા ડેમમાં નદીની સપાટી ૧ર૦.૦૩ મીટરે પહોચી ગઈ છે. નર્મદા નદીની સપાટીમાં વધારો થતાં જ આજે રથયાત્રાના પવિત્ર દિવસે કેનાલમાં પ૩૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે અને કેનાલમાં પાણી છોડવાનો પ્રારંભ પણ કરી દેવાયો છે આ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવશે.

રાજય સરકારે કરેલી જાહેરાત મુજબ નર્મદા કેનાલમાં સવારથી જ પાણી છોડવાની શરૂઆત કરવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે જાકે બીજીબાજુ રાજયભરમાં ચોમાસાનો માહોલ જાવા મળી રહયો છે આ પરિસ્થિતિ સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ થતા હવે ખેડૂતો માટે સારા સમાચાર છે અને વાવણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.