ખાડી ફળિયાના શહેરી આરોગ્યકેન્દ્ર ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજાયો
ગોધરા:પંચમહાલ જિલ્લામાં કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ અંતર્ગત ગોધરા શહેરના ખાડીફળિયા ખાતે આવેલા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે શહેરીજનો સાથે જનસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ જનઆરોગ્ય સેવાઓને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી નિરાકરણ લાવવાનો તેમજ આરોગ્ય સેવાઓ વિશે વધુને વધુ લોકોને માહિતગાર કરવાનો હતો. આ ઉપરાંત, કાર્યક્રમમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આયુષ્માન ભારત, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાઓ, શાળા આરોગ્ય કાર્યક્રમ, શહેરી વિસ્તારમાં મળતી આરોગ્ય સેવાઓ, માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટેની સેવાઓ, કિશોર સ્વાસ્થ્ય, આઈ.સી.ડી.એસ.ની સેવાઓ, બાળ આરોગ્ય સેવાઓ, કિશોર સ્વાસ્થ્ય સેવાઓ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિસ્તારના કાઉન્સિલર શ્રી સંતોષભાઈ ભૂરિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.કે.મોડ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી. જૈન, આર.સી.એચ.ઓ. ડો. પી.કે. શ્રીવાસ્તવ, શહેરી હેલ્થ ઓફિસર ડો. મીના પટેલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.