ધો.૧૦, ૧૨ના ૧.૯૬ લાખ વિદ્યાર્થીઓ ગુરૂવારથી બોર્ડની પરીક્ષા આપશે
અમદાવાદ, ૫ માર્ચ ૨૦૨૦ને ગુરૂવારથી ધોરણ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. અમદાવાદમાં આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના ૧.૯૬ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં ધોરણ-૧૦ના ૧.૧૭ લાખ, ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહના ૬૨,૦૮૬ અને ધોરણ-૧૨ સાયન્સના ૧૭,૧૫૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં લગભગ ૬૫૩ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કલેક્ટર કચેરીમાંથી એક ટાસ્ક ફોર્સ પરીક્ષાઓનું નિરીક્ષણ કરશે. તેમજ ડ્ઢઈર્ંની ઓફિસના અધિકારીઓ પણ નજર રાખશે. શહેરને ૩૪ પરીક્ષા કેન્દ્રો સાથે સાત ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યના ૭ કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં સખત મોનિટરિંગ થશે. અમદાવાદના સત્સંગી વિદ્યાલય, બાપુનગર, એચ બી મહેતા મોર્ડન હાઈ સ્કૂલ કોટ વિસ્તાર કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા છે. અમદાવાદ ગ્રામ્યની ભુવાલડી, ફેદરા ઉપરાંત ૩ કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
આ વર્ષે માર્ચ ૨૦૨૦માં એન્યુઅલ પેટર્નના રીપિટરોની પ્રથમવાર પરીક્ષા લેવાશે. આ વર્ષે મુખ્ય ચાર વિષયો ઉપરંત હિન્દી-અંગ્રેજી પ્રથમ ભાષામાં નવા કોર્સ મુજબ પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે જુના કોર્સ મુજબ લેવનારી ધો.૧૨ સાયન્સની પરીક્ષા માટે ૨૩૦૦૦થી વધુ વિદ્યાર્થી નોંધાયા છે. જે રીપિટર તરીકે પરીક્ષા આપશે.
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓ આવતીકાલે બપોર ૨થી ૫ વાગ્યા સુધીમાં જોઈ શકશે. પરીક્ષા કેન્દ્રોને ખુલા રાખવા સ્થળ સંચાલકોને શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરવામા આવ્યો છે. આ વખતે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પેપરલીક થતું અટકાવવા માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે.