કોરોના વાયરસથી વિશ્વના દેશોમાં મૃતાંક ૩૨૧૯
બેજિંગ, કોરોના વાયરસના કારણે દુનિયાના ૭૬થી વધારે દેશો સકંજામાં આવી ગયા છે. કોરોના વાયરસના કારણે વિશ્વના દેશોમાં મોતનો આંકડો વધીને ૩૨૧૯ સુધી પહોંચી ગયો છે. જ્યારે કુલ કેસોની સંખ્યા ૯૪૧૯૨ સુધી પહોંચી ગઇ છે. અસરગ્રસ્ત દેશોમાં કોરોના પર કાબુ મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જા કે સ્થિતી હજુ બેકાબુ બનેલી છે. ચીનમાં મોતનો આંકડો ૨૯૮૧ સુધી પહોંચી ગયો છે. ચીનમાં ૨૪ કલાકમાં ૩૮ના મોત થયા છે.
ચીનમાં ગંભીર રહેલા કેસોની સંખ્યા પણ ૬૪૧૯ કરતા વધારે છે. જેથી મોતનો આંકડો હજુ ખુબ ઉપર પહોંચી શકે છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે.