Western Times News

Gujarati News

મનરેગા હેઠળ લાભાર્થીના ખાતામાં સીધી રકમ જમા

અમદાવાદ: વડોદરા અને સુરત જિલ્લામાં મનરેગા યોજનામાં નાણાની ફાળવણી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા ગ્રામ વિકાસ મંત્રી બચુ ખાબડે જણાવ્યુ હતુ કે મનરેગા યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના છે. ગરીબ શ્રમિકોને રોજગારી આપવા સરકાર હરહંમેશ માટે કટિબદ્ધ છે. ભારત સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટ અન્વયે રાજ્ય કક્ષાએથી કોઇપણ પ્રકારની ગ્રાન્ટ જિલ્લાવાર ફાળવવામાં આવતી નથી પરંતુ અમારી પારદર્શિ સરકાર દ્વારા જિલ્લાવાર લાભાર્થીઓના બેંક ખાતામાં યોજના અંતર્ગત મળતી રકમ સીધી જ ફંડ ટ્રાન્સફર ઓર્ડર દ્વારા જમા કરવામાં આવે છે. મંત્રીએ ઉમેર્યુ કે, વર્ષ ૨૦૧૮માં વડોદરા જિલ્લામાં ૩,૪,૮૪૫ અને સુરત જિલ્લામાં ૧૫,૮૬,૪૨૧ માનવદિનની રોજગારી ઉભી થઇ હતી.

તે ઉપરાંત વર્ષ ૨૦૧૯માં વડોદરા જિલ્લામાં ૨,૦૮,૫૪૭ અને સુરત જિલ્લામાં ૯,૪૪,૯૨૬ માનવદિનની રોજગારી ઉભી થઇ હતી. એટલે કે બે વર્ષમાં વડોદરા જિલ્લામાં ૫,૧૩,૩૯૨ અને સુરત જિલ્લામાં ૨૫,૩૧,૩૪૭ મળી બે જિલ્લામાં બે વર્ષમાં ૩૦,૪૪,૭૩૯ માનવદિનની રોજગારી ઉભી થઇ હતી. એક માનવદિનની રોજગારીના દર અંગે પુછાયેલા પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યુ હતુ કે, ૧ એપ્રિલ ૨૦૧૯થી એક માનવદિનની રોજગારીના ૧૯૯ વેતનદર ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છે. ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં બે વર્ષમાં ઉભી થયેલી માનવદિન રોજગારી અંગે જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૮,૩૯,૩૧૮ અને મહીસાગર જિલ્લામાં ૨૫,૩૫,૫૯૧ મળીને બે જિલ્લામાં બે વર્ષમાં કુલ ૩૩,૮૪,૯૦૯ માનવદિન રોજગારી ઉભી થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.