બાંધકામ શ્રમિકો માટે રાજ્ય સરકાર સંવેદનશીલ :રૂપાણી
અમદાવાદ: ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે બાંધકામ શ્રમિકોના હિતમાં સરકારે અનેકવિધ પગલાં ભર્યા છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ ન હોય તેવા બાંધકામ શ્રમિકોના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને પણ રૂપિયા ૩ લાખની સહાય આપવામાં આવે છે. હાલમાં રાજ્યમાં બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં ૬.૫૦ લાખથી વધુ શ્રમિકો નોંધાયા છે. આ બોર્ડ હેઠળ નોંધાયા ન હોય તેવા શ્રમિકોને પણ મૃત્યુના કિસ્સામાં નિયત સહાય આપવામાં આવે છે
તેમ વિધાનસભાગૃહમાં બાંધકામ સાઇટ ઉપર થતા અકસ્માત અંગે ધારાસભ્યના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું. મંત્રીએ આ અંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ બાંધકામ સાઇટ ઉપર થયેલા પ્રાણઘાતક અકસ્માતના કિસ્સામાં જવાબદારો સામે બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ-૧૯૯૬ હેઠળ વિવિધ જોગવાઈના ભંગ બદલ નામદાર કોર્ટમાં ૨૪ કેસ તેમજ ચીફ ઇન્સ્પેક્શન ઓફ ઇન્સ્પેક્શન ઓથોરિટીની કોર્ટમાં ૩૨ એમ કુલ ૫૬ કેસ કરવામાં આવ્યા.
આ સાઈટ ઉપર ભોગ બનેલા છ બાંધકામ શ્રમિકોના પરિવારોને તાત્કાલિક અસરથી રહેમરાહે રૂપિયા ૧૩,૯૫,૦૮૯ની સહાય કરવામાં આવી છે. જ્યારે બાકીની સહાય કેસના ચુકાદા બાદ આપવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં હાલમાં કાર્યરત ૧૯૧ બાંધકામ સાઇટ માંથી ૧૭૭ સાઈટનું સલામતીના ભાગરૂપે નિયમ મુજબ નિરીક્ષણ કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, શ્રમિકોમાં જાગૃતિ માટે બાંધકામ સાઇટો ઉપર સલામતી સપ્તાહ તેમજ દર વર્ષે ૪ માર્ચના રોજ રાષ્ટ્રીય સલામતી દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે, જેથી કરીને શ્રમિકોની સલામતી વધુ સુદ્રઢ બનાવી શકાય.