વસ્ત્રાલનાં સોનીનું ૨૫ લાખનું સોનું લઈ કાલુપુરનો ગઠીયો ફરાર

અમદાવાદ: પરપ્રાંતમાંથી વેપારીનો સ્વાંગ રચીને આવતાં ઠગભગતો દ્વારા શહેરનાં વેપારીઓ સાથે છેતરપિંડી કરવાનો સીલસીલો સતત ચાલુ રહેતાં કાલુપુરનાં સોનીએ પોતાની સાથે રૂપિયા ૨૫ લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. ગઠીયો દાગીના બનાવવાનું કહીને સોનું લઈ ગયો હતો.
જાે કે મુદ્દત વીતી જવા છતાં દાગીના નહીં આપતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. મયુરભાઈ સોની વસ્ત્રાલ ખાતે રહે છે અને વસ્ત્રાલ રબારી કોલોની ખાતે ભગવતી જ્વેલર્સ નામે દુકાન ધરાવી ઘરેણાંનો ધંધો કરે છે. કેટલાંક સમય અગાઉ તે ધંધાનાં કામથી રતનપોળ ગયા હતા.
જ્યાં તાપસ ગોવિંદ મંડલ (ભારતી ભવન વાઘણ પોળ, રતનપોળ, મુળ વતન.પશ્ચિમ બંગાળ)નામનાં વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. અને બંને વચ્ચે દસ વર્ષથી ધંધાકીય વ્યવહારો થતાં હતા. છેલ્લે નવેમ્બર તથા ડિસેમ્બર માસમાં તાપસ મંડલને કુલ ૬૦૦ ગ્રામથી વધુ સોનું જેની કિંમત ૨૫ લાખ છે તે ઘરેણાં બનાવવા આપ્યું હતું.
જાકે વાયદા મુજબની તારીખ જવા છતાં તાપસ તરફથી કોઈ જવાબ નહીં આવતાં મયુરભાઈ પોતે રતનપોળ ખાતે આવતાં તાપસની દુકાને તાળાં લાગેલાં હતા.
જેનો કોઈ અત્તો પત્તો ન મળતાં છેવટે મયુરભાઈએ તાપસ મંડલ વિરૂદ્ધ કાલુપુર પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૨૫ લાખનાં સોનાની ઠગાઈ કરવાની ફરીયાદ નોંધાવી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ તાપસ મંડલ વિરૂદ્ધ અન્ય વેપારીઓએ પણ ફરિયાદ નોંધાવેલી છે.