મેડીકલ સ્ટોર્સની માસ્ક ખરીદનાર સાથે ઉઘાડી લૂંટ

પ્રતિકાત્મક તસવીર
માસ્કની માંગને પહોંચી વળવા સતત ર૪ કલાક ફેકટરીઓ કામ કરી રહી છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અડધું વિશ્વ આજે કોરોના વાઈરસની અસરથી પીડાઈ રહ્યુ છે. આ વાઈરસના પ્રતિકાર રૂપ લોકોને ‘માસ્ક’ પહેરી બહાર નીકળવાની અપીલ થઈ રહી છે. લોકોમાં પણ જાગૃતિ આવી છે. અને માસ્ક પહેર્યા વગર જાખમ હોવાનું માની રહ્યા છે. અમદાવાદમાં વાયરસથી ચેપ ન લાગે એ માટે લોકો ‘માસ્ક’ ખરીદવા લાગ્યા છે. માંગ એકાએક વધી જતાં મેડીકલ સ્ટોર્સવાળા પણ આનો લાભ ઉઠાવીને લોકોને ખુલ્લેઆમ લૂંટી રહ્યાનું જાણવા મળી રહ્યુ છે.
જે માસ્ક આજથી બે-ત્રણ દિવસ પહેલાં રૂ.૭પમાં બજારમાં મળતા હતા તે રાતોરાત સ્ટોક ઓછો હોવાના બહાના હેઠળ મેડીકલ સ્ટોર્સવાળા રૂ.૯૦૦ ની આસપાસ લોકો પાસેથી લેતા હોવાનું જાણવા મળે છે. એન-૯પ નો માસ્ક સૌથી ઉત્તમ તથા વાયરસને રોકવાની તથા ઉત્તમ ક્વોલીટીનો માનવામાં આવે છે. આ કારણે એન-૯પ માસ્કની બજારમાં વધી રહી છે. તે કારણે પણ મેડીકલ સ્ટોર્સોએ રાતોરાત ભાવ વધારી દીધો છે.
માસ્ક ઉત્પાદન કરતી ફેકટરીઓ સતત ર૪ કલાક ધમધમી રહી છે. પરંતુ માંગ વધી જતા તથા ઉત્પાદન શક્તિ મર્યાદિત હોવાને કારણે ‘માસ્ક’ ની અછત ઉભી થાય એમ જણાય છે. અને મેડીકલ સ્ટોર્સ ખરીદનાર વ્યક્તિને તે દહેશત બતાવી વધારે ભાવ લઈ રહ્યા છે.