ઈટલીમાં ૧.૬ કરોડ લોકોને લોકડાઉનમાં રાખવાનો આદેશ
નવીદિલ્હી: ઇટલીના વડાપ્રધાન જુસેપી કોન્તેએ ૧૪ પ્રાંતમાં લોકડાઉનનું હુકમનામું બહાર પાડ્યું છે. ઈટલીના લોમ્બાર્ડી અને ૧૪ કેન્દ્રીય અને ઉત્તર ઈટલીના પ્રાંતમાં રહેતા લોકોને પ્રવાસ કરવા માટે હવે ખાસ પરવાનગી લેવી પડશે. આ હુકમનામાની અસર મિલાન અને વેનિસ પર પણ પડશે. વડાપ્રધાન જુસેપી કોન્તેએ શાળાઓ, જીમ, મ્યૂઝિયમ, નાઇટક્લબ અને અન્ય જગ્યાઓને લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. આ લોકડાઉન ૩ એપ્રિલ સુધી લાગૂ રહેશે. ઈટલીમાં અત્યાર સુધી ૫૮૮૩ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને કોરોનાવાયરસના લીધે ૩૬ લોકો મૃત્યુ પામ્યા છે.
યુરોપમાં સૌથી વધારે કેસ ઈટલીમાં સામે આવ્યા છે. શનિવારે કેસની સંખ્યામાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો હતો. ૨૩૩ લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે અને શનિવાર સુધી કેસની સંખ્યા ૫૮૮૩ પર પહોંચી ગઇ છે. રવિવારે વડાપ્રધાન કોન્તેએ કહ્યું કે આ નિર્ણયના લીધે લોકોને અમુક બાબતો જતી કરવી પડશે પરંતુ અમે નાગરિકોના સ્વાસ્થ્યની ખાતરી આપીએ છીએ.
નવા આદેશ પ્રમાણે ઇમરજન્સી સિવાય કોઇ લોકો ક્યાંય આવ-જા કરી શકશે નહીં. લોમ્બાર્ડી અહીંનો એક પ્રમુખ વિસ્તાર છે જ્યાં ૧ કરોડ લોકો રહે છે. આ વિસ્તારમાં મિલાન પણ એક મુખ્ય શહેર છે. તે સિવાયના ૧૪ પ્રાંતોમાં મોડેના, પાર્મા, પિઆસેન્ઝા, રેઝિયો એમીલીયા, રિમિની, પેસારો અને અર્બિનો, એલેસાન્દ્રિયા, અસ્તી, નોવારા, વર્બેનો ક્યૂસીયો ઓસોલા, વર્સેલી, પેડુઆ, ટ્રેવીસો અને વેનિસનો સમાવેશ થાય છે. લોકડાઉનમાં અમુક ઇમરજન્સી સેવાઓને લગતા અધિકારીઓ અને કામગીરી બાબતે છૂટછાટ આપવામાં આવશે.