ખેડૂતને ૩૯૦૦૦ કરોડનું પાક ધિરાણ ઝીરો ટકા વ્યાજથી અપાવ્યું છેઃ સરકાર
વિકાસલક્ષી ખર્ચ કરવા અંગે ગુજરાત આગળ છેઃ સરકાર
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી અને નાણાં મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપનને કારણે વિકાસલક્ષી ખર્ચમાં ઉતરોતર વધારો કરીને ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને કરકસરપૂર્વક નાણાંના ઉપયોગના કારણે ગુજરાતનો આજે સર્વાંગીણ વિકાસ થઇ રહ્યો છે.
ગુજરાત વિધાનસભા ખાતે સન ૨૦૨૦ના ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં માળખાગત સવલતોનું નિર્માણ તેમજ માનવ સેવા માટેના ખાસ આયોજન માટે આ વધારાનો ખર્ચ કરાયો છે તે માટે પૂરક વિનિયોગ વિધેયક રજૂ કરાયું છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ સરકાર ખેડૂતોની ચિંતા કરે છે તેથી ૩૯,૦૦૦ કરોડનું ટૂંકી મુદતનું ધિરાણ ઝીરો ટકાના દરે ખેડૂતોને અપાયુ છે.
હકીકતે રાજ્ય સરકાર ધિરાણની રકમનું વ્યાજ ૭ ટકાના દરે બેંકોને આપવું પડે છે અને આ રકમનો ૪ ટકાનો બોજ રાજ્ય સરકાર અને ૩ ટકાનો બોજ કેન્દ્ર સરકાર ઉપાડે છે. ધિરાણ માટે બેંકોને અગાઉથી પૈસા ચૂકવવા ૪૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ આ સરકારે મંજુર કરી ખેડૂતોને ધિરાણ સમયસર મળી રહે તેની ચિંતા કરી છે. પાક વીમા અંતર્ગત નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સરકારે વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૧૨૬૭.૧૯ કરોડ, વર્ષ ૨૦૧૭-૧૮ રૂ. ૧૦૭૫.૪૪ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૭૭૭.૪૬ કરોડ મળી કુલ રૂપિયા ૫૧૨૦.૦૯ કરોડની પાક વીમાની રકમ ખેડૂતોને દાવા પેટે ચૂકવી સાચા અર્થમાં ખેડૂતોની ચિંતા કરી છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યના યુવાનોને રોજગારી આપવા માટે વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા હાથ ધરીને છેલ્લા ઘણા વર્ષોમાં ૧.૨૫ લાખથી વધુ સરકારી અધિકારી/કર્મચારીઓની ભરતી સંપૂર્ણ પારદર્શિતાથી કરી છે અને ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત બોર્ડ દ્વારા વિવિધ પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું છે.
બિન સચિવાલય પરીક્ષાની ભરતીમાં પણ વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એ માટે પેપર લીકની ઘટના બનતાં રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક પરીક્ષા મુલતવી રાખીને સીટ દ્વારા તપાસના આદેશો આપ્યા અને સમગ્ર ષડયંત્ર પકડી પાડયું છે. અમે આગામી સમયમાં પારદર્શિતાથી આ પરીક્ષાઓ યોજાશે. તેમણે કહ્યું કે એલઆરડી ભરતી પ્રક્રિયામાં પણ કેટલાક વિરોધીઓ અને રાજકીય પક્ષોએ ગુજરાતની શાંતિ હણવાનો પ્રયાસ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવાનોને વિશ્વાસ હતો કે સરકાર અમારી પડખે છે અને રહેશે એટલે જ તેઓ અમારી સાથે રહ્યા અને અમે યુવાઓના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે.
નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં ખાણ ખનીજ બ્લોકની હરાજી તારીખ ૨૪-૩-૧૭થી પારદર્શક રીતે ઈ-ઓકશન એટલે કે ઓનલાઈન ટેન્ડર પદ્ધતિથી કરવામાં આવે છે અને પેસા એક્ટ કાયદાનું પાલન કરી સ્થાનિકોને ફાળવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી ૧૨૮ બ્લોકોની જાહેર હરાજીમાંથી ૮૮ની હરાજી થઈ તેમાંથી ૭૨ સફળ બિડરોને બ્લોક ફાળવવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ખાણ અને ખનીજ વિભાગની ૯૫ ટકા રકમને જિલ્લા પંચાયતને ગ્રાન્ટ તરીકે ફાળવવામાં આવે છે. આ વર્ષે રૂ. ૧૪૦ કરોડ જિલ્લા પંચાયતોને વિકાસ કામો માટે ફાળવી આપવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ જયાંથી આ ખનિજ નીકળે છે, આવક થાય છે તે વિસ્તારોમાં વિકાસ માટે રકમ વપરાય છે. આ પૂરક વિનિયોગ વિધેયક વિધાનસભા ખાતે પસાર કરાયું હતું.