મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે આવેલી સંયુક્ત માલીકીની આશરે ૧૩ હેકટર જમીનમાં અન્ય માલીકોની જાણ બહાર ખોટી સહીઓ,ખોટા સોગંદનામા દ્વારા ખોટી વહેંચણી કરી દેવાઈ હોવાનું તરકટ પ્રકાશમાં આવ્યું હતું. આ જમીનના હિસ્સેદારે આ અંગે ગામ ના જ સરપંચ વિરૂધ્ધ મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં જ પંથકમાં ચકચાર મચી હતી. ટીંટોઈ ગામના સરપંચ જમીન પચાવી પાડવા અને જમીનમાંથી પસાર થતી રેલવે લાઈનના પૈસા પડાવી લેવા ખોટું સોગંદનામું અને કુવૈત રહેતા ખાતેદારોની ખોટી સહીઓ કરી જમીનના ખોટા હિસ્સા વહેંચણી કરવાનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે રૂરલ પોલીસે આ ફરીયાદના આધારે ટીંટોઈ ના સરપંચ વિરૂધ્ધ ભારતીય ફોજદારી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે આવેલ 11 જણાની સંયુક્ત માલીકીની જમીન આ જમીનના જ કેટલાક સંયુક્ત માલીકો ની જાણ બહાર મામલતદાર કચેરીના નોંધપત્રમાં ખોટી વહેંચણી કરી દેવાઈ હોવાની ફરીયાદે ચકચાર મચાવી છે.જયારે ગામના જ સરપંચ વિરૂધ્ધ કરાયેલા આક્ષેપો ને લઈ જનતાના જ પ્રતિનિધિઓ અને સરકારી કચેરીઓની કાર્યવાહી સામે જ સવાલો ઉઠી રહયા છે.
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના ખેડુત અનવરહુસેન કાસમભાઈ ટીંટોઈયા એ ગત શનિવાર ના રોજ મોડાસાના ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.આ ફરીયાદમાં જણાવ્યા મુજબ ટીંટોઈ ગામની સીમમાં તેઓની વડીલો પાર્જિત સંયુક્ત માલીકીની 13.28.09 હેકટર આરે.ચો.મી જમીન આવેલી છે.
પરંતુ તેઓ જયારે આ જમીનના જરૂરી ઉતારા મેળવવા મોડાસાની મામલતદાર કચેરીએ ગયા હતા. ત્યારે કચેરીએથી મેળવેલ 7/12 અને 8-2 ના ઉતારાઓમાં જુદાજુદા હિસ્સે વહેંચાયેલ નોંધો જોવા મળતાં જ તેઓ ચોંકી ઉઠયા હતા.ફરીયાદી અનવરહુસેન ટીંટોઈયા કે તેઓના બે ભાઈઓની જાણ બહાર આસંયુક્ત માલીકીની જમીનમાં હિસ્સેદાર એવા પાંચ જણાના નામે મોટા હિસ્સાની વહેંચણી ની નોંધો જણાઈ આવી હતી.
આ અંગે તેઓએ તેમના જ કાકાના દિકરા અને ટીંટોઈ ના સરપંચ અબ્દુલકાદર ટીંટોઈયા નો સંપર્ક કરતાં અને વિગત જણાવતાં જ આ સરપંચ એકોઅક ઉકળી ઉઠયા હતા અને હુ ગામનો સરપંચ છું, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં અનવરહુસેન ટીંટોઈયા ગભરાઈ ગયા હતા.
ગામના સરપંચ એવા પિતરાઈ ભાઈ વિરૂધ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરીયાદ કરી હતી.ફરીયાદી અનવરહુસેન કાસમભાઈ ટીંટોઈયા રહે.ટીંટોઈના ઓની ફરીયાદના આધારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ઈન્સ્પેકટર સી.પી.વાઘેલા એ આરોપી અબ્દુલકાદર ગુલામહુસેન ટીંટોઈયા રહે.ટીંટોઈ નાઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.