નિર્ણાયક અને સંવેદનશીલ સરકારે મહિલા ઉમેદવારોની ૨,૩૭૩ જગ્યાઓ વધારી : પ્રદિપસિંહ જાડેજા
મહિલા ઉમેદવારો માટે પહેલા ૩,૦૭૭ જગ્યાઓ હતી જે વધીને હવે ૫,૪૫૦ કરાઈ : જગ્યામાં વધારા સાથે મહિલા ઉમેદવારો નું હંગામી પરિણામ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર મુકાયું
યુવાઓને રોજગારી આપવામાં કટિબધ્ધ રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૧.૨૫ લાખ યુવાઓને સરકારી નોકરી આપી : ગૃહ વિભાગ દ્વારા છેલ્લા ૧૨ વર્ષમાં ૭૨ હજાર થી વધુ યુવાઓને સરકારી સેવામાં જોડ્યા
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યની આ નિર્ણાયક અને સંવેદનશીલ સરકારે એલ.આર. ડી ભરતી પ્રક્રિયામાં મહિલા ઉમેદવારોની ૨,૩૭૩ જગ્યાઓ વધારી મહિલાઓને વધુમાં વધુ રોજગારીની તક પૂરી પાડવાની દિશામાં મહત્વનો નિર્ણય કર્યો છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે પોલીસ દળમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ૯,૭૧૩ લોકરક્ષકની ભરતી માટે ઓગસ્ટ-૨૦૧૮ માં પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં મહિલા ઉમેદવારોની જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
શ્રી જાડેજાએ ઉમેર્યું કે, એલ.આર.ડી ભરતીમાં મહિલા ઉમેદવારો માટે પહેલા ૩,૦૭૭ જગ્યાઓ હતી, જે વધીને હવે ૫,૪૫૦ જગ્યાઓ કરવામાં આવી છે. એટલે કે મહિલા ઉમેદવારોની જગ્યાઓમાં ૨,૩૭૩નો વધારો કરવામાં આવ્યો છે. જગ્યામાં વધારા સાથે મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ www.lrbgujarat2018.in ઉપર મુકવામાં આવ્યું છે.
મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૫ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકારૂપ એવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુપેરે જળવાય રહે તે માટે છેલ્લા ૧૨ વર્ષમાં ગૃહ વિભાગમાં જુદા-જુદા સંવર્ગમાં ૭૨ હજારથી પણ વધુની ભરતી કરવામાં આવી છે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી સમયમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.