Western Times News

Gujarati News

નકલી ચીજવસ્તુનાં વેચાણનું હબ બનતું બાપુનગર

Files Photo

અમદાવાદ: અમદાવાદ સહીત દેશભરમાં કેટલાંક કાળાબજારીયા તથા સંગ્રહખોર વેપારીઓ જાણીતી કંપનીઓની નકલી પ્રોડકટ વેચી નાગરીકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી રહયાં છે. આ અંગે કંપનીઓ દ્વારા વારંવાર ફરીયાદો કરવામાં આવતી હોય છે. આ પરિસ્થિતીમાં કેટલીક જાણીતી કંપનીઓ દ્વારા અમદાવાદ શહેરમાં તેમની પ્રોડકટની નકલી વસ્તુઓ વેચાણ થઈ રહયું છે. તેવી ફરીયાદ નોંધાવતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને વોચ દરમ્યાન ગઈકાલે બાપુનગરમાં સર્ચ ઓપરેશન કરાતાં ચારથી વધુ દુકાનોમાંથી નકલી ચીજવસ્તુઓનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ અધિકારીઓ ચોકી ઉઠયા હતા. કંપનીની ફરીયાદના આધારે બાપુનગર પોલીસે આવાં વેપારીઓ સામે ગુનો દાખલ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે બજારમાં દરેક ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન હાલમાં થઈ રહયું છે. જેમાં કપડાં અને ફેશનની વસ્તુઓ ઉપરાંત મોબાઈલ ફોનની એસેસરીઝ મોખરે છે. નફાખોરો દ્વારા બનાવીને બજારમાં ઠાલવવામાં આવતી આ નકલી પ્રોડકટસને કારણે બ્રાન્ડેડ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહયું છે. જેને પગલે આવી મોટી કંપનીઓ દ્વારા કોપી રાઈટ અધિકારીઓની નિમણુંક કરવામાં આવે છે. ઉપરાંત કોપીરાઈટનાં દ્વારા પર કામ કરતી કેટલીક કંપનીઓને પણ રોકવામાં આવી રહી છે. જે બજારમાં ફરીને બ્રાન્ડેડ કંપનીઓનાં નકલી માલ બનાવતાં અને વેચતાં વેપારીઓ પર પોલીસ સાથે મળીને દરોડા પાડે છે.

અમદાવાદ શહેરમાં પણ નાગરીકોમાં બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવાનો ક્રેઝ જાવા મળતાં લેભાગુ વેપારીઓ દ્વારા નકલી માલ વેચીને ઉંચો નફો રળી લેવાનું ષડયંત્ર ચાલી રહયું છે. જેનાં પગલે બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓની નજર શહેરની દુકાનો પર રહે છે. આવી જ એક કાર્યવાહીમાં બાપુનગર વિસ્તારમાં આવેલાં શિલ્પ આર્કેડ કોમ્પલેક્ષમાં આવેલી કેટલીક દુકાનોમાં બ્રાન્ડેડ મોબાઈલ ફોનની નકલી એસેસરીઝ મળતી હોવાની બાતમી મળતાં જ મુળ મુંબઈની કોપી રાઈટ કંપનીના અધિકારી વિશાલભાઈ જાડેજા (મણીનગર) એ ખાનગી રાહે તપાસ કરાવડાવી હતી.

બાદમાં બાપુનગર પોલીસને સાથે રાખીને બુધવારે શિલ્પ આર્કેડ કોમ્પલેક્ષમાં દરોડો પાડયો હતો. અને અનુપ શ્રીરામપ્રગટ પાંડે (અનુપ મોબાઈલ રીપેરીગ) કિશોર દોલતરામ પ્રજાપતિ (ઓમ અંબેશ્વર મોબાઈલ સેન્ટર) અભિષેક ભંવરલાલ જૈન (અરીહંત મોબાઈલ) પ્રકાશ ધનજી પ્રજાપતી (ઓમ અંકલેશ્વર મોબાઈલ ટુ) ઉપરાંત અન્ય દુકાનોનાં માલિકો સામે પણ કોપીરાઈટ હેઠળ ફરીયાદો નોધાવી હતી. આ તમામ દુકાનોનો સામાન તપાસતાં તેમાંથી એપલ સહીતની અન્ય કંપનીઓનો સામાન પણ મોટાં પ્રમાણમાં મળી આવ્યો હતો. આ તમામ સામાન પોલીસે જપ્ત કર્યા બાદ વેપારીઓને માલ સામાન પોલીસે જપ્ત કર્યા બાદ વેપારીઓને માલ સામાન અંગે વધુ પુછપરછ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

મોબાઈલ ફોનની ચારથી વધુ દુકાનોમાંથી રૂપિયા એક લાખથી વધુનો નકલી મુદ્દામાલ પકડીને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતાં નકલી માલનું વેચાણ કરાતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. અત્રે નોંધનીય છે કે શહેરમાં ઠેરઠેર દુકાનો ખોલીને વેપારીઓ નકલી માલસામાન નાં વેચાણ દ્વારા કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહયાં છે. આવી પ્રોડકટસમાં ધુમ નફો મળતો હોવાથી વારંવાર પોલીસ કાર્યવાહી છતાં વેપારીઓ નકલી માલ વેચવાનો મોહ છોડી શકતાં નથી.

અમદાવાદ શહેરના કાલુપુર, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં મુખ્ય બજારો આવેલા છે અને આ બજારોમાં વહેપારીઓ દ્વારા બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજવસ્તુઓ ખુલ્લેઆમ વેચાણ કરી નાગરિકો સાથે છેતરપીંડી આચરવામાં આવતી હોય છે અનેક વખત દરોડા પાડવામાં આવતા હોવા છતાં વહેપારીઓ દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ રાખવામાં આવતી હોય છે.

આ ઉપરાંત હવે કંપનીઓ પણ આવા વહેપારીઓ ઉપર નજર રાખતી હોય છે ખાસ કરીને આવા વહેપારીઓ વિદેશી બનાવટની નકલી ચીજવસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોય છે પરંતુ કેટલાક વહેપારીઓ સ્થાનિક કંપનીઓની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે ત્યારે કંપનીઓ પોલીસ ફરિયાદ નોંધાવતી હોય છે કાલુપુરમાં પણ પોલીસતંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવતી હોય છે જેના પરિણામે અનેક વહેપારીઓ આવી નકલી ચીજવસ્તુઓનું વેચાણ કરતા પકડાયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.