કોરોનાના કારણે ઈટાલીમાં ૨૪ કલાકમાં ૨૫૦ના મોત
પેરિસ, કોરોના વાયરસના કારણે વિશ્વના ૧૨૦ જેટલા દેશો અને પ્રદેશોમાં અત્યાર સુધીમાં ૫,૦૪૩ લોકોના મોત થયા છે. તેમજ ૧,૩૪,૩૦૦ લોકો અસરગ્રસ્ત થયા છે. ગુરૂવારે આ અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૨,૫૧૩ થઇ ગઇ છે. તેમજ ૩૫ લોકોના મોત થયા છે. ચીનમાં અત્યાર સુધીમાં ૩,૧૭૬ લોકોના મોત થયા છે, ત્યારે ઇટલીમાં ૧,૦૧૬ અને ઇરાનમાં ૫૧૪ લોકોના મોત થયા છે. કોરોનાના ભયને મહામારી જાહેર કરાયા પછી ત્રણ જ દિવસમાં મૃત્યુઆંક ૫૦૮૧ સુધી પહોંચી ચૂક્યો છે. જગતના ૫ ખંડના કુલ ૧૧૪ દેશોમાં પ્રસરી ચૂકેલ આ જીવલેણ વાયરસ બહુ ઝડપભેર વધુ જોખમ ઊભું કરે તેવી શક્યતા છે. ગત ૨૭ ફેબ્રુઆરીએ તેનો પ્રસાર ૬૮ દેશ સુધી મર્યાદિત હતો અને સંક્રમણગ્રસ્ત લોકોની સંખ્યા ૮૨,૨૯૪ હતી, જ્યારે મૃત્યુ આંક ૨,૭૪૭ હતો. એ પછી જગતના દરેક દેશે તકેદારીના સઘન પગલાંઓ લીધા છતાં પંદર દિવસમાં સંક્રમણગ્રસ્ત લોકોની સંખ્યા ૧.૩૭ લાખ થઈ ચૂકી છે જ્યારે મૃતકોની સંખ્યા ૫૦૦૦નો આંક પાર કરી ગઈ છે.
ડિસેમ્બરમાં કોવિડ-૧૯નો પ્રથમ કેસ સામે આવ્યા બાદ ૧૨૧ દેશોમાં ૧,૩૪,૩૦૦થી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે.ઈરાનમાં પણ આ મહામારીને નિયંત્રિત કરવા દેશના સુરક્ષા અધિકારીઓને આગામી ૨૪ કલાકમાં દેશના રસ્તાઓ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આર્મી ચીફ મેજર જનરલ મોહમ્મદ બગેરીએ એક નિવેદનમાં જણાવ્યું કે, કમિશનને શેરીઓ, દુકાનો, રોડ-રસ્તાઓ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જે નિર્ણયને આગામી ૨૪ કલાકમાં અમલ કરવાનો છે.