મુંબઈમાં બીએમડબ્લ્યુ કારની ડિવાઇડર સાથે ટક્કર: ત્રણનાં મોત
મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર પૂરપાટ ઝડપે ત્રણ લોકોનો ભોગ લીધો છે. વર્લીમાં પૂરપાટ જઈ રહેલી બીએમડબલ્યૂ કાર બેકાબૂ થઈને ડિવાઇડર સાથે અથડાઈ હતી. કારની ડિવાઇડર સાથે ટક્કરથી ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ દોડી આવી હતી. પોલીસે કારમાં સવાર ચાર લોકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી ત્રણ લોકોનાં મોત થઈ ચુક્યા હતા. કાર એક મહિલા ચલાવી રહી હતી, જેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસને મળેલી જાણકારી પ્રમાણે મુંબઈના વર્લીના મેલા રેસ્ટોરન્ટ જંક્શન પાસે હાઇસ્પીડ બીએમડબલ્યૂ કારની ડિવાઇડર સાથે ટક્કર થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને માલુમ પડ્યું હતું કે કારમાં ચાર લોકો સવાર હતા. કાર એક મહિલા ચલાવી રહી હતી. પોલીસે ઘાયલોને બહાર કાઢ્યા ત્યારે ત્રણ લોકોનાં મોત થઈ ચુક્યા હતા. મૃતકમાં મહિલાની છ માસની બાળકીનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં મહિલાની ૭૦ વર્ષની માતા અને ૬૨ વર્ષના એક સંબંધી સામેલ છે. મહિલાની ઓળખ મિતા ચાંદ તરીકે કરવામાં આવી છે, તેની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ડાક્ટરનું કહેવું છે કે મહિલા વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. મહિલાની હાલત ખૂબ જ ગંભીર છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મહિલા અંધેરીની નિવાસી છે. ઘટનાને નજરે જોનાર લોકોનાં જણાવ્યા પ્રમાણે કારની જ્યારે ડિવાઇડર સાથે ટક્કર થઈ હતી ત્યારે તેની ઝડપ ખૂબ વધારે હતી. કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા પર સ્પીડ બ્રેકર આવતીને સાથે જ મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદમાં કારની ટક્કર ડિવાઇડર સાથે થઈ હતી. દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસે એવી તપાસ કરી રહી છે કે અકસ્માત આખરે કેવી રીતે થયો હતો.