Western Times News

Gujarati News

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન હવે નાના શંકરસેઠ ટર્મિનસ તરીકે ઓળખાશે

File

મુંબઇ, લાખો પ્રવાસીઓની જ્યાં રોજ આવ-જા થાય છે એ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વસંમતિથી પસાર થયેલ ઠરાવ મુજબ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન હવે નાના શંકરસેઠ ટર્મિનસ તરીકે ઓળખાશે. મુંબઈના અતિશય ધાર્મિક બ્રાહ્મણ કુટુંબમાં ઈસ. ૧૮૦૩માં જન્મેલા જગન્નાથ શંકરસેઠ આપબળે ધનાઢ્ય ઉદ્યોગપતિ બન્યા હતા. શરાફ તરીકે તેમની સાખ એટલી બધી ઊંચી હતી કે એ જમાનામાં મુંબઈમાં વેપાર કરવા આવતાં અફઘાન અને આરબ સોદાગરો પોતાની મૂડી શંકરસેઠની તિજોરીમાં સાચવવા માટે રાખી મૂકતાં. દાનવીર તરીકેની ખ્યાતિ ધરાવતા શંકરસેઠે મુંબઈમાં વિખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ માટે ભારે મોટી સખાવતો કરી હતી. તેમણે મુંબઈમાં ૩૫ કન્યાશાળાઓ શરૂ કરાવીને તેના ખર્ચનો પ્રબંધ કર્યો હતો. પારસી ઉદ્યોગપતિ સર જમશેદજી જીજીભોયની સાથે મળીને તેમણે મુંબઈમાં રેલવેના વિકાસ માટે ગ્રેડ ઈન્ડિયન પેનિન્સ્યુલા રેલવે નામની કંપની સ્થાપી હતી. કંપનીના કુલ ૧૨ પૈકી ભારતીય હોય એવા બે જ ડિરેક્ટર તરીકે જમશેદજી જીજીભોય અને શંકરસેઠ હતા. આ કંપની થકી જ ભારતમાં પહેલી રેલવે દોડી હતી.

શિવસેના લાંબા સમયથી ભારતીય રેલવેના આદ્ય તરીકે શંકરસેઠનું નામ મુંબઈ સેન્ટ્રલ સાથે જોડવાની માગણી કરતી હતી. હવે મુંબઈના અન્ય રેલવે સ્ટેશનોના નામ પણ બદલવાની યોજના છે. એ મુજબ અંગ્રેજી શાસનની આખરી નિશાનીઓ ભૂંસીને તેના સ્થાને મરાઠી અસ્મિતા અને મરાઠી મહાનુભાવોના નામ સાંકળવાનો શિવસેનાનો ઈરાદો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.