સોલર સ્ટવ અને બેટરી ચાર્જરને પ્રોત્સાહન આપવા માટે એલઈડી બલ્બ મિશન પદ્ધતિનો ઉપયોગ કરાશે
સરકાર રેલવે મુસાફરી આરામદાયક અને સુખદ બનાવવા માટે મોટા પાયે રેલવે સ્ટેશન આધુનિકીકરણ કાર્યક્રમ શરૂ કરશે
નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 2019-20 માટેનું કેન્દ્રિય અંદાજપત્ર રજૂ કરતી વખતે જણાવ્યું કે સરકારનું લક્ષ્ય વધુમાં વધુ સુવિધાઓ આપીને નાગરિકોના જીવનને સરળ બનાવવાનો છે. તેમણે કહ્યું કે ડિજિટલ પેમેન્ટ સેવાઓને સરકાર સહિત દરેક સ્થળો પર સ્વીકાર્યતા મળી રહી છે.
નાણાં મંત્રીએ જણાવ્યું કે લગભગ 30 લાખ શ્રમિકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ જોડાઈ ગયા છે. આ યોજનાનો ઉદ્દેશ અસંગઠિત અને અનૌપચારિક ક્ષેત્રોના કરોડો કામદારોને 60 વર્ષથી વધુ ઉંમર થતા તેમને 3000 રૂપિયાનું પ્રતિમાસ પેન્શન આપવાનો છે. આ યોજના પ્રધાનમંત્રી દ્વારા 5 માર્ચ, 2019ના રોજ અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી.
ઉજ્જવલા યોજના
નાણાં મંત્રીએ જણાવ્યું કે સારા અને સરળ જીવનના નિર્વાહ માટે સ્વચ્છ વાતાવરણ અને સતત ઊર્જાના ઉપયોગની ખાતરી કરવી ખૂબ જ મહત્વનું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં પ્રત્યેક પરિવારને એલઇડી બલ્બનું જથ્થાબંધ વિતરણ કરવાનો કાર્યક્રમ શરૂ થયો હતો, જેના પરિણામે પરંપરાગત બલ્બ અને સીએફએલ નું ચલણ બંધ થઈ ગયું હતું. અંદાજ મુજબ લગભગ 35 કરોડ એલઈડી બલ્બનું ઉજાલા યોજના હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું. જેનાથી દર વર્ષે 18,341 કરોડ રૂપિયા ની બચત થઈ રહી છે. ભારત પરંપરાગત બલ્બના ઉપયોગથી મુક્ત થઈ રહ્યો છે અને સીએફએલનો ઉપયોગ પણ પહેલા કરતા ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં સોલર સ્ટવ અને બેટરી ચાર્જરોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે મિશન એલઈડી બલ્બ પદ્ધતિ અપનાવીશું.
રેલવે સ્ટેશન આધુનિકીકરણ
નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકો માટે રેલવે યાત્રા આરામદાયક અને આનંદદાયક બનાવવા માટે સરકાર આ વર્ષે મોટા પાયે રેલવે સ્ટેશન આધુનિકીકરણ કાર્યક્રમ શરૂ કરશે.