Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય બજેટ 2019-2020ને આવકાર્યું

બજેટ 21મી સદીમાં ભારતના વિકાસને વેગ આપશે: પ્રધાનમંત્રી

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય બજેટ 2019-2020ને નવા ભારતના નિર્માણનું બજેટ ગણાવીને તેને આવકાર્યું હતુ. કેન્દ્રીય નાણામંત્રીએ સંસદમાં વાર્ષિક બજેટ 2019-2020 રજૂ કર્યા પછી પ્રધાનમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બજેટથી ગરીબ વર્ગ વધુ મજબૂત બનશે અને દેશમાં યુવાનો માટે વધુ સારા ભવિષ્યનું ઘડતર થશે.

બજેટના સંભવિત લાભો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બજેટથી દેશમાં વિકાસની ગતિ હજુ પણ વધુ ઝડપી બનશે અને મધ્યમ વર્ગને તેનાથી ઘણો મોટો લાભ થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “બજેટથી કરવેરાની પ્રક્રિયા વધુ સરળ થશે અને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ કરવામાં મદદ મળી રહેશે.”

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બજેટના કારણે ઉદ્યોગોમાં વધુ મજબૂતી આવશે તેમજ ઉદ્યોગસાહિસકો પણ વધુ પ્રોત્સાહિત થશે. તેમણે ઉમેર્યું હતું કે, બજેટથી દેશના વિકાસમાં મહિલાઓની સહભાગિતામાં હજુ વધારો થશે. બજેટમાં ભારતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવાનો રોડમેપ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ વાર્ષિક બજેટ 2019-2020ને સંપૂર્ણપણે આશાનું બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બજેટથી 21મી સદીમાં ભારતના વિકાસને વેગ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સમાજમાં ગરીબો, ખેડૂતો, દલીતો, પીડિતો અને વંચિત વર્ગના સશક્તીકરણ માટે સર્વાંગી પગલાં લીધા છે. તેમણે કહ્યું હતું કે, આ સશક્તીકરણના કારણે આગામી પાંચ વર્ષમાં તેઓ દેશનાં પાવરહાઉસ બની શકશે. દેશ સશક્ત વર્ગોની મદદથી પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવાનું પોતાનું સપનું સાકાર કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.