રાજયમાં રોજ ટીબીથી ૧૪, કેન્સરથી ત્રણના મોત થાય છે
અમદાવાદ: વિશ્વભરમાં હાલ કોરોનાનો કેર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ પોઝિટીવ આવ્યો નથી. પરંતુ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરથી ૨,૨૫૦, એઈડ્સથી ૧૫૫૭ અને ટીબી(ક્ષય)થી ૧૦,૧૨૦ દર્દીઓના મોત નીપજ્યાં છે. તે જોતા રાજ્યમાં દરરોજ કેન્સરથી ૩, એઈડ્સથી બે અને ટીબીથી ૧૪ લોકોના મોત નોંધાઇ રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ અંગે વિધાનસભામાં એક ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરના ૩૪,૭૩૩, એઈડ્સના ૧૮૦૯૧ તથા ટીબીના ૨,૨૫,૨૧૨ દર્દીઓ નોંધાયા છે.
અમદાવાદમાં કેન્સરથી સૌથી વધુ ૧૦૬૨ના મોત નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદમાં ૧૦૮૦૧ કેન્સરના દર્દીઓ, એઈડ્સના ૩૩૪૨ દર્દીઓ અને ટીબીના ૯૦૧૯ દર્દીઓ છે. જેમાંથી કેન્સરના કારણે ૧૦૬૨ના, એઈડ્સથી ૧૯૬ અને ટીબીથી ૨૪૭ના મોત થયા છે. જ્યારે વડોદરામાં કેન્સરના ૯૪૦ દર્દીઓ, એઈડ્સના ૧૧૮૮ દર્દીઓ અને ટીબીના ૮૮૮૭ દર્દીઓ છે. જેમાંથી કેન્સરને કારણે ૫ના, એઈડ્સથી ૧૦૩ અને ટીબીથી ૫૭૪ના મોત થયા છે. સુરતની વાત કરીએ તો, કેન્સરના ૧૮૪૬ દર્દીઓ, એઈડ્સના ૨૨૩૦ દર્દીઓ અને ટીબીના ૮૦૨૬ દર્દીઓ છે. જેમાંથી કેન્સરના કારણે ૨ના, એઈડ્સથી ૧૮૫ અને ટીબીથી ૪૫૪ના મોત થયા છે.
આ જ પ્રકારે રાજકોટમાં કેન્સરના ૧૬૫૮ દર્દીઓ, એઈડ્સના ૧૦૮૫ દર્દીઓ અને ટીબીના ૬૫૩૧ દર્દીઓ છે. જેમાંથી કેન્સરને કારણે ૧૧૨ના, એઈડ્સથી ૮૮ અને ટીબીથી ૩૬૨ના મોત નોંધાયા હોવાની વાત વિધાનસભામાં સામે આવી હતી. સરકાર દ્વારા રજૂ કરાયેલી આંકડાકીય માહિતીને લઇ રાજયમાં કેન્સર, એઇડ્સ સહિતના રોગોના કેસો અને તેના કારણે નીપજતાં મોતને લઇ સ્થિતિ સ્પષ્ટ થઇ હતી.