અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી : બે કેસ નોધાયા : ગુજરાતમાં પાંચ કેસ
આનંદનગરમાં રહેતી અને અમેરિકાથી પરત ફરેલી યુવતિમાં કોરોનાના લક્ષણ દેખાતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ યુવતિના નમુના ફરી વખત ચકાસણી માટે પુના મોકલાયા :અમદાવાદમાં કુલ બે કેસો કોરોનાના નોધાતા સરકાર સતત બની ગઈ છે અને અા સાથે ગુજરાતમાં કોરોના કુલ કેસોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસની એન્ટ્રી થતાં જ આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે છેલ્લા એક સપ્તાહથી રાજયભરમાં તકેદારીના તમામ પગલાં ભરવામાં આવતા હતા આ દરમિયાનમાં ગઈકાલે કોરોનાના બે કેસ નોંધાયા બાદ કેટલાક નિર્ણયોમાં ફેરફાર કરી મોટા શહેરોની હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં મ્યુનિ. અને સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે આ દરમિયાન શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી અને અમેરિકાથી પરત ફરેલી યુવતિમાં કોરોનાના લક્ષણ દેખાતા તેને એસવીપીના ખાસ વોર્ડમાં ખસેડવામાં આવી છે અને તેના નમુના ફરી વખત પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે આમ અમદાવાદ શહેરમાં પણ કોરોનાનો કેસ નોંધાતા મ્યુનિ. તંત્ર સતર્ક બની ગયું છે.
અમદાવાદમાં કુલ બે કેસો કોરોનાના નોધાતા સરકાર સતત બની ગઈ છે અને અા સાથે ગુજરાતમાં કોરોના કુલ કેસોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.
ચોંકાવનારી બાબત એ છે કે વિદેશથી આવેલા તમામ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે અને તમામના નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે પરંતુ ૧૧ પ્રવાસીઓનો કોઈ પત્તો નહી મળતા રાજયભરમાં આ તમામ પ્રવાસીઓની શોધખોળ ચાલી રહી છે.
દેશભરમાં કોરોના વાયરસના પગલે ભારે ફફડાટ ફેલાયેલો છે એક પછી એક રાજયોમાં કોરોનાના કેસ નોંધાઈ રહયા છે દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો નોંધાયા છે જેના પગલે મુંબઈ સહિતના શહેરોમાં વસતા નાગરિકો માટે રાજય સરકાર દ્વારા જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે ગઈકાલે પંજાબમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજતાં ભારતમાં મૃત્યુઆંક ૪ પર પહોંચ્યો છે
અને દિવસેને દિવસે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ગુજરાતમાં પણ ગઈકાલે કોરોનાના બે કેસો નોંધાયા છે. આ બંને વ્યક્તિનું વિદેશથી પરત આવી હતી અને ત્યારબાદ તેઓના થર્મલ ચેકિંગમાં કોરોનાના લક્ષણ દેખાતા તેઓને આઈસોલેટે કરવામાં આવ્યા હતાં. હાલ બંને સારવાર હેઠળ છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી આવતા પ્રવાસીઓનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહયું છે અને આ તમામ પ્રવાસીઓને ૧૦ થી ૧પ દિવસ સુધી ઘરની બહાર નહીં નીકળવાની તાકિદ કરવામાં આવી છે.
વિદેશથી આવેલા તમામ પ્રવાસીઓની યાદી એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા રાજય સરકારને મોકલી આપવામાં આવી છે જેના પગલે આ તમામ પ્રવાસીઓને તેમના નિવાસસ્થાને જઈ ચેકિંગ કરવામાં આવી રહયું છે. ચોંકાવનારી બાબત એ છે કે એરપોર્ટ સત્તાવાળાઓએ મોકલેલી યાદી પ્રમાણે હજુ પણ ૧૧ પ્રવાસીઓનો કોઈ પત્તો લાગ્યો નથી જેના પરિણામે આરોગ્ય વિભાગના અધિકારીઓ સતર્ક બનેલા છે અને આ તમામની શોધખોળ હાલ ચાલી રહી છે.
આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા અમર પેલેસ બંગ્લોઝમાં રહેતી નીયોમી શાહ નામની ર૧ વર્ષની યુવતિ તા.ર૧મી જાન્યુઆરીએ ન્યુયોર્ક ભણવા માટે ગઈ હતી અને ત્યારબાદ તા.૧૩મીના રોજ તે ન્યુયોર્કથી અમદાવાદ પરત ફરી હતી તા.૧૪મીએ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેને તેના ઘરમાં જ આઈસોલટે રાખવામાં આવી હતી.
આ દરમિયાનમાં તેની તબીયત લથડતાં આરોગ્ય વિભાગ દ્વારા આ યુવતિની મેડિકલ તપાસ કરી તેના નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં જેમાં કોરોનાના લક્ષણ જણાતા ગઈકાલે રાત્રે ૧ર.૦૦ વાગ્યાની આસપાસ આ યુવતિને તાત્કાલિક અમદાવાદ શહેરની એસવીપી હોસ્પિટલમાં બનાવવામાં આવેલા આઈસોલેટ વોર્ડમાં ખસેડવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા આ યુવતિના ફરી વખત નમુના લઈ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે આ યુવતિના ફરી વખત નમુના ચકાસણી માટે મોકલવામાં આવ્યા બાદ તેના રિપોર્ટની રાહ જાવામાં આવી રહી છે પરંતુ પ્રથમ રિપોર્ટમાં જ કોરોનાના લક્ષણ જાવા મળ્યા હતા આમ અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસની એન્ટ્રી થતાં મ્યુનિ. તંત્ર સજાગ બની ગયું છે અને શહેરભરમાં પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.