પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંદેશ અન્વયે તા.૨૨ માર્ચના રોજ જનતા કરફ્યુ માટે જાહેર અપીલ
કોરોના વાયરસના સંક્રમણની શક્યતા અટકાવવા જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાતની કામગીરી સઘન બનાવવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચના
રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓના સહયોગથી નોવેલ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા જાગૃતિ કેળવવામાં આવશે
માહિતી બ્યુરો, પાટણ : ગુજરાતમાં કોરોના વાયરસના પાંચ પોઝીટીવ કેસ સામે આવ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં વાયરસ સંક્રમણ સામે તકેદારી અંગે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. જેમાં જનતા કરફ્યુ, જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી અને તકેદારીના પગલાઓ અંગે મહત્તમ પ્રચાર-પ્રસાર અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી.
પાટણ કલેક્ટર કચેરી ખાતે કોરોના વાયરસ અંગે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી જનતા કરફ્યુ પાળવાની અપીલનો સુચારૂ અમલ થાય તે માટે જિલ્લામાં યોગ્ય પ્રચાર-પ્રસારની કામગીરી થાય અને લોકો આ બાબતે સ્વયંભુ શિસ્ત જાળવી જનતા કરફ્યુમાં જોડાય તે જરૂરી છે.
સાથે જ વાયરસ સંક્રમણની ગંભીર શક્યતાઓ ટાળવા જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલવાની કામગીરીને વધુ સઘન બનાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ વહિવટી તંત્રના અધિકારીશ્રીઓને સુચના આપી હતી. મામલતદારશ્રીઓ, નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઑફિસરશ્રીઓ તથા ગ્રામ્ય વિસ્તારમાં તલાટીશ્રીઓ, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ તથા આરોગ્યકર્મીઓ દ્વારા જાહેરમાં ન થુંકવા બાબતે જાગૃતિ કેળવવામાં આવે તે અંગે સુચનાઓ આપી.
કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ ગુજરાત સરકારે લાગુ કરેલા ઈન્ડિયન એપેડેમિક એક્ટ-૧૮૯૭ના નોટીફિકેશન અન્વયે જાહેર સ્થળોએ પોલીસકર્મીઓની મદદથી દંડ વસુલાતની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે. વધુમાં જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા નાગરિકોને અપીલ કરવા સાથે વહિવટી તંત્ર દ્વારા જાહેર સ્થળોની સફાઈ અને સ્વચ્છતા પર ભાર મુકવા અનુરોધ કર્યો.
પાટણ જિલ્લામાં WHO દ્વારા મહામારી તરીકે ઘોષિત કરવામાં આવેલા નોબલ કોરોના વાયરસના સંક્રમણની સંભાવનાઓને ધ્યાને લઈ સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, સમાજના અગ્રણીઓ તથા ધર્મગુરૂઓ દ્વારા જાહેર જનતાને સોશિયલ ડીસ્ટન્સિંગ અંગે અપીલ કરવામાં આવે તે માટે બેઠક યોજવા સંલગ્ન અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી.
આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી તથા ખાનગી દવાખાના-હોસ્પિટલ્સમાં ફ્લુ કોર્નરની વ્યવસ્થા સુનિશ્વિત કરવા તથા હેલ્થ એડવાઈઝરી તૈયાર કરવા કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું. તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા રોજિંદા ધોરણે વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી સ્થિતિની અપડેટેડ માહિતી અંગે સમીક્ષા કરવા જણાવવામાં આવ્યું. સાથે સાથે મેડિકલ સ્ટોર્સ પર માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરના સ્ટોક અને વેચાણભાવની ચકાસણી પણ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી આર.એન.પંડ્યા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, ઈ.ચા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભરતભાઈ ગોસ્વામી, તમામ ચીફ ઑફિસરશ્રીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.