કોરોના વાયરસની તપાસ માટે અન્યત્ર પણ લેબ શરૂ
હવે બ્લડની તપાસ માટે સેમ્પલને પુણે મોકલવાની જરૂર નથી
અમદાવાદ, કોરોના વાયરસને લઇને રાજ્યના આરોગ્ય સચિવ ડોક્ટર જ્યંતિ રવિએ આજે માહિતી આપતા કહ્યું હતું કે, કોરોના વાયરસની તપાસ માટે ૧૫૦ સેમ્પલો લેવામાં આવ્યા છે જે પૈકી સાત પોઝિટિવ આવ્યા છે. ૧૨૩ નેગેટિવ રહ્યા છે. બાકીના ૨૨ના રિપોર્ટ બાકી છે. પોઝિટિવ આવેલા આ તમામ સાત મામલામાં ત્રણ અમદાવાદના છે. કોરોના વાયરસને અટકાવવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે. જિન્મેઝિયમ, વોટરપાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, ક્લબોને બંધ કરવામાં આવી છે. ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકારે મંદિરો અને પ્રવાસી સ્થળોને પણ બંધ કરવાની જાહેરાત કરી છે. બ્લડ સેમ્પલના રિપોર્ટ પણ લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસની એન્ટ્રીને ધ્યાનમાં લઇને વડોદરા, સુરત અને રાજકોટમાં પણ લેબ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ અને જામનગરમાં પહેલાથી જ આ સુવિધા ઉપલબ્ધ છે. બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના બીજે મેડિકલ કોલેજમાં પણ તપાસ થઇ રહી છે. રાજ્યમાં જુદી જુદી લેબમાં ચકાસણી કરવામાં આવી રહી છે.
અમદાવાદ અને જામનગરમાં પહેલાથી જ લેબોરેટરીની સુવિધા છે. આ પહેલા શંકાસ્પદ દર્દીના બ્લડની તપાસ માટે સેમ્પલને પુણે મોકલવામાં આવી રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે ભાવિ પગલાને લઇને પણ ચર્ચા થઇ હતી. કોરોના વાયરસને રોકવાને લઇને વિવિધ પગલા લેવાનો દોર યથાવતરીતે જારી રહ્યો છે.