પાંચ દિવસમાં 62 લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ ચલાવવામાં આવી, 15.4 ટન માલનું પરિવહન
નવી દિલ્હી, કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇના ભાગરૂપે, સમગ્ર દેશ અને બહારના ભાગોમાં તબીબી તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા “લાઇફલાઇન ઉડાન” ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ, 26 થી 30 માર્ચ 2020 સુધીના પાંચ દિવસના સમયગાળા દરમિયાન 62 લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ ચલાવવામાં આવી છે જેમાં 15.4 ટનથી વધુ આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવામાં આવ્યો છે. 62માંથી 45 ફ્લાઇટ એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા ઉડાડવામાં આવી છે.
લાઇફલાઇન ઉડાન કામગીરીઓમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, ઇન્ડિયન એરફોર્સ (IAF) અને પવન હંસ સામેલ છે. તેમને એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (AAI), AAICLAS (AAI)ની કાર્ગો અને લોજિસ્ટિક્સ પેટા કંપની), AI એરપોર્ટ્સ સર્વિસિસ (AIASL), PPP હવાઇમથકો અને ખાનગી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીઓ દ્વારા સહકાર આપવામાં આવે છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ અને બ્લુ ડાર્ટ જેવી ખાનગી કંપનીઓ પણ મેડિકલ કાર્ગો ફ્લાઇટ્સનું વ્યાપારિક ધોરણે પરિચાલન કરી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા MoCAના ટોચના હોદ્દેદારોની દેખરેખ હેઠળ ઉભા કરવામાં આવેલા કંટ્રોલરૂમ દ્વારા આ ફ્લાઇટ્સનું સંકલન કરવામાં આવે છે. લાઇફલાઇન ઉડાન કાર્ગોમાં કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ્સ, તબીબી ઉપકરણો, પરીક્ષણ કીટ્સ, વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE), માસ્ક, હાથમોજાં અને કોરોના સામે લડતા યોદ્ધાઓ માટે જરૂરી અન્ય ઍક્સેસરીનું સમગ્ર ભારતમાં પરિવહન કરવામાં આવે છે.
લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સનું આયોજન હબ એન્ડ સ્પોક મોડેલ અનુસાર કરવામાં આવ્યું છે. દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેંગલોર અને કોલકાતામાં કાર્ગો હબ સ્થાપિત કરવામાં આવ્યા છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ આ હબને એકબીજાની સાથે જોડે છે અને ત્યાંથી દેશના અન્ય ભાગોને જોડવામાં આવ્યા છે.